Sunday, January 5, 2025
Homeરાજ્યખંભાળિયા પંથકના ખેતરોમાં વીજ થાંભલાઓ ઉભા કરતી કંપની સામે ખેડૂતોમાં આક્રોશ

ખંભાળિયા પંથકના ખેતરોમાં વીજ થાંભલાઓ ઉભા કરતી કંપની સામે ખેડૂતોમાં આક્રોશ

ખેડૂતોએ લડત કરવા મક્કમ નિર્ધાર કર્યો: યોગા કરી, ખેડૂતોએ વિરોધ વ્યક્ત કર્યો : આગામી દિવસોમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનો આ લડતમાં જોડાશે

- Advertisement -

ખંભાળિયા તાલુકાના ભટ્ટગામથી કચ્છના ભચાઉ- લકડીયા સુધી જતી વીજ લાઈનમાં જે.કે. ટી.એલ. નામની કંપની દ્વારા ખેડૂતોના ખેતરમાં વીજ પોલ ઉભા કરવામાં આવી રહ્યા છે. જે કંપની કામ કરે છે તેણે નિયમો નેવે મૂકીને જાણે ખેડૂતોની છાતી ઉપર વીજ પોલ ઉભા કરી દીધા હોય તેવો સુર ઉઠવા પામ્યો છે. ખેડૂતોના ઉભા પાકમાં જેસીબી ટ્રેકટર ચલાવી પાકને અને જમીન નુકશાન પહોંચાડવામાં આવ્યું છે. ખેડૂતોને કોઇપણ સંપુર્ણ રીતે જાણ કર્યા વગર, જમીન માપણીની ભૂલોના કારણે નોટિસ બીજાને અને પોલ બીજાના ખેતરમાં ઉભા કરી દીધાની ઘટના બની છે. જાણકાર લોકો તો ત્યાં સુધી કહે છે કે ઇલેક્ટ્રિક ઇન્સ્પેકટર પાસે જે ફાઇનલ લાઇનની મંજૂરી લેવામાં આવી છે, એ આખેઆખી લાઇન જ બદલી ગઈ છે. તેમ છતાં ખાનગી કંપની ખેડૂતોની છાતી પર પોલ ઉભા કરી ગયા છે.

નિયમોનુસાર ખેડૂતના ખેતરમાં રહેણાંકનું મકાન હોય તેનાથી નકકી કરવામાં આવેલા અંતર સુધીના વિસ્તારમાં વીજ પોલ ઉભો કરી શકાય નહીં. પરંતુ આ કંપનીએ ખેડૂતોના ખેતરમાં આવેલા રહેણાંક ઘરની નજીક વીજ પોલ ઉભા કરી દીધા છે. ખેડૂતોને આપવામાં આવતા વળતરમાં અભણ ખેડૂતોને સંપૂર્ણપણે છેતરવામાં આવ્યા છે.

અનુસંધાને ગત તારીખ 27 મી ના રોજ તાલુકાના ભટ્ટગામ અને ગઈકાલે મંગળવારે ખંભાળિયા તાલુકાના તરઘડી ગામના પાટિયા પાસે મોટી સંખ્યામાં ખેડૂતોએ એકત્ર થઈ, આ કંપની સામે લડત કરવાનું નક્કી કર્યું છે. ખેડૂતોએ કંપની સામે લડવા માટે ગઈકાલે યોગા કરી, પોતાની જાતને શારિરીક અને માનસિક રીતે મજબૂત કરી હતી. આવનારા દિવસોમાં ગુજરાતભરના ખેડૂત આગેવાનોને આ લડતમાં જોડવા હાકલ કરવામાં આવશે અને ગુજરાતભરના ખેડૂત આગેવાનો આ લડતમાં જોડાશે.
ખેડૂત વિકાસનો વિરોધી નથી પણ ખેડૂતોની કપાતમાં જતી મહામૂલી જમીન સામે યોગ્ય વળતર મળે એ જરૂરી છે. ખેડૂત ચણા મમરાના ભાવે જમીન આપવા ક્યારેય તૈયાર નહિ થાય તેવા પ્રતિભાવો સાથે હવે આ માટે છેલ્લા શ્વાસ સુધી ખેડૂતોએ લડત કરવાનો આ મિટિંગમાં નીર્ધાર કરવામાં આવ્યો છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular