કેન્દ્ર સરકારે બુધવારે બોમ્બે હાઈકોર્ટને જણાવ્યું હતું કે તેણે મહારાષ્ટ્રના ઉસ્માનાબાદ શહેરનું નામ બદલીને ધારાશિવ કરવા અંગે મંજૂરી આપી દીધી છે પણ ઔરંગાબાદનું નામ છત્રપતિ સંભાજીનગર કરવા માટે મંજૂરી આપવાની પ્રક્રિયા હજુ ચાલી રહી છે. કાર્યવાહક મુખ્ય ન્યાયાધીશ એસ.વી.ગંગાપુરવાલા અને જસ્ટિસ સંદીપ માર્નેની બેન્ચે ગત મહિને જ કેન્દ્ર સરકારથી જાણવાનો પ્રયાસ કર્યો હતો કે શું કેન્દ્રને મહારાષ્ટ્ર સરકાર દ્વારા આ બંને શહેરોના નામ બદલવા માટે કોઈ પ્રસ્તાવ મળ્યો છે? જો હાં તો શું તેણે આ પ્રસ્તાવ સ્વીકારી લીધો છે? એડિશનલ સોલિસીટર જનરલ અનિલ સિંહે કહ્યું કે કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર દ્વારા પ્રસ્તાવ મળ્યો હતો. જ્યાં સુધી ઉસ્માનાબાદની વાત છે, અમે 2 ફેબ્રુઆરીએ રાજ્યને જાણ કરી હતી અને નામ બદલવા સામે કોઈ વાંધો પણ આવ્યો નથી પણ ઔરંગાબાદનું નામ બદલવા અંગે હાલ કોઈ નિર્ણય થયો નથી. તેના પર પ્રક્રિયા ચાલી રહી છે. કોર્ટે નિવેદનને સ્વીકાર્યું અને આ મામલે આગામી સુનાવણી 27 ફેબ્રુઆરી નક્કી કરી હતી.


