રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન યોજના અંતર્ગત જામનગરનાં ટાઉનહોલ ખાતે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા સ્વ સહાય જૂથો માટે કેશ ક્રેડિટ કેમ્પનું આયોજન શ્રમ કૌશલ્ય વિકાસ અને રોજગાર, પંચાયત (સ્વતંત્ર હવાલો) ગ્રામ ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ મંત્રી બ્રીજેશભાઈ મેરજના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લાના કુલ 352 જૂથોને રૂ.4.03 કરોડનાં ચેક અને મંજૂરીપત્ર તેમજ 25 ગ્રામ સંગઠનોને રૂ.7.50 લાખ લેખે રૂ. 1કરોડ 86લાખની ગ્રાન્ટનાં પત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. જામનગર જિલ્લામાં સ્વ સહાય જૂથો દ્વારા મુખ્યત્વે બાંધણી, દોરી વર્ક, મોતીકામ, પાપડ, અથાણાં બનાવટ, ભરતગૂંથણ, આગરબતી, પેંટિંગ પોસ્ટર, ફરસાણ, હેન્ડીક્રાફ્ટ, બેકરી પ્રોડક્ટ્સ, ઓર્ગેનિક અનાજ કઠોળ વગેરેની કામગીરી જામનગર જિલ્લાના 4600થી વધુ સખી મંડળોની બહેનો દ્વારા કરવામાં આવે છે.
આ કાર્યક્રમમાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે, રાજ્ય અને રાજ્ય બહાર યોજાતા જુદા જુદા મેળાઓમાં ઉત્પાદિત વસ્તુઓના માર્કેટિંગ માટે જામનગર જિલ્લા માંથી સખી મંડળોના સભ્યો જતાં થયા છે. સ્વ સહાય જૂથોને સામૂહિક લોન મળવાથી મહિલાઓ આત્મનિર્ભર બની પોતાના વિવિધ કૌશલ્યથી રોજગારી મેળવી રહી છે. સરકાર દ્વારા મહિલાઓનો સર્વાંગી વિકાસ થાય તે માટે અનેક યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે. જેથી કરીને દેશની નારી શક્તિ ઉજાગર થાય અને દરેક ક્ષેત્રે મહિલાઓ આગળ વધે. આ કાર્યક્રમમાં ઉપસ્થિત મહાનુભાવોને કઠોળની કીટ આપીને સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયતના પ્રમુખ ધરમશીભાઈ ચનિયારા, સુશીલાબેન મેરજા, જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી કીર્તનબેન, શહેર ભાજપ પ્રમુખ ડો. વિમલભાઈ કગથરા, જિલ્લા પંચાયત કારોબારી સમિતિના ચેરમેન ભરતભાઈ બોરસદિયા, જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન લગધીરસિંહ જાડેજા, કે.બી. ગાગીયા, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી નિયામક રાજેન્દ્રસિંહ રાયજાદા, તાલુકા પંચાયત પ્રમુખ હસમુખભાઈ ફાચરા, અધિકારીઓ તેમજ બહોળી સંખ્યામાં બહેનો ઉપસ્થિત રહ્યા હતા.