ફરીયાદી જામનગર ખાતે તેમના બાળકો સાથે રહે છે. ફરિયાદીના પતિ દ્વારા ફ્લેટ ખરીદવા માટે બેંકમાંથી લોન લેવામાં આવેલ. લોન લેતી વખતે એચડીએફસી બેંક દ્વરા જણાવવામાં આવેલ કે, લોનની સાથે તમે જો વીમો લઇ લેશો તો તમોને કાઈ થઇ જાય અથવા મૃત્યુ થાય તો તમારા પરિવારને રૂ.5,43,218/ – નો વીમો હોય તો તેટલી રકમ મળી જાય. જેથી બેંકના અધીકારી દ્વારા જણાવ્યા મુજબ સામાવાળા વિમા કંપની એચ.ડી.એફ.સી અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કંપની પાસેથી રૂા.43,219/- પ્રીમીયમ ભરપાઈ કરી લોનની રકમ જેટલો વીમો લેવામાં આવેલ.
ત્યારબાદ ફરિયાદીના પતિ ગુજ. જીતેન્દ્ર મનસુખલાલ પાલાને હાર્ટ એટેક આવતા તાત્કાલીક 108 મારફત જી.જી. હોસ્પીટલ જામનગર ખાતે સારવાર માટે લઇ જવામાં આવેલ. જ્યાં ડોકટર દ્વારા ચેક કરવામાં આવતા જીતેન્દ્રભાઈને મૃત્યુ પામેલ જાહેર કરવામાં આવેલ. જે બાદ પોસ્ટમોર્ટમ રીપોર્ટ પણ કરવામાં આવેલ. ત્યારબાદ વિમા પોલીસી હોવાથી સામાવાળા એચડીએફસી અર્ગો જનરલ ઇન્શ્યુરન્સ કપની સમક્ષ કલેઈમ નોંધાવવામાં આવેલ. જે કલેઈમ નોંધાવ્યા બાદ સામાવાળા દ્વારા ફરીયાદીનો કલેઈમ ખોટા કારણો તથા હાર્ટએટેકનું ખોટુ અર્થઘટન કરી કલેઈમ રદ કરવામાં આવેલ. જે બાદ ફોરેન્સિક વિભાગ એમ.પી.શાહ મેડીકલ કોલેજના પી.એમ. કરનાર ડોક્ટરનું સર્ટિફિકેટ પૂરુ પાડેલ હોવા છતાં કલેઈમ મંજુર કરેલ નહી. જેથી ફરીયાદી દ્વારા જામનગર ગ્રાહક તકરાર નિવારણ કમીશન સમક્ષ ફરીયાદ નોંધાવવામાં આવેલ. જે ફરીયાદ ચાલી જતા ગ્રાહક તકરાર નિવારણ કમિશનના અધ્યક્ષ પી.સી. રાવલ તથા સભ્ય એચ.એસ. દવે તથા જે.એચ. મકવાણા દ્વારા ફરીયાદીની ફરીયાદ મંજુર કરી સામાવાળા વિમા કંપનીએ પોલીસી મુજબની રકમ રૂા. 5,43,218/ – વાર્ષિક 6 ટકા વ્યાજ તથા રૂા. 5,000/ – દુ:ખ ત્રાસ અને રૂા. 3,000/ – ફરીયાદ ખર્ચના ચુકવી આપવા હુકમ કરેલ છે.
ફરીયાદી વકીલ તરફે વકીલ વસંત ડી. ગોરી તથા દીપક એચ. નાનાણી તથા નેહલ બી.સંચાણીયા રોકાયેલા હતા.


