ગુજરાતની નવી કેબિનેટના સભ્યોને કેટલાક આદેશ આપવામાં આવ્યા છે. દિલ્હી હાઇકમાન્ડ તરફથી જાહેર થયેલા ફરમાન પ્રમાણે મંત્રીઓને કહેવામાં આવ્યું છે કે કોઇના સાચા કામો અટકાવશો નહીં અને ખોટું કરનારાને રસ્તો બતાવી દેશો. નવી સરકારમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે ભ્રષ્ટાચારને પ્રોત્સાહન મળે તેવી વચેટીયા પ્રવૃત્તિથી દૂર રહેશો.
રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની કેબિનેટના ત્રણ પૂર્વ મંત્રીઓને બાદ કરતાં 21 મંત્રીઓ પહેલી વખત મંત્રી બન્યા હોવાથી તેમને સરકારી કામગીરી શિખવાની છે. પ્રત્યેક મંત્રીએ તેમના વિભાગના અધિકારીઓ સાથે બેઠક કરીને કાર્યવાહી સમજવાની છે. કેબિનેટ અને ખાતાની ફાળવણી પછી મંત્રીઓ તેમના વિસ્તારમાં જતા રહ્યાં છે, હવે તેઓ સોમવારે તેમના હોદ્દાનો ચાર્જ સંભાળે તેવી સંભાવના છે.
કેબિનેટના સભ્યોને એવું પણ કહેવામાં આવ્યું છે કે તેઓએ સરકારી કામ સિવાય કોઇ પ્રવાસ કરવો નહીં. વિભાગોના અધિકારીઓ સાથે બેસીને ચાલુ વર્ષના બજેટના પેન્ડીંગ કામો પૂર્ણ કરવાના આદેશ પણ આપવામાં આવ્યા છે. એટલું જ નહીં આ નવનિયુક્ત મંત્રીઓને સરકાર અને સંગઠન વચ્ચે સંકલન કરવાની પણ સલાહ આપવામાં આવી છે.
14 મહિના પછી આવી રહેલી વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટીના 150 પ્લસના ટારગેટને પૂર્ણ કરવા માટે હાઇકમાન્ડ અને પ્રદેશ એકમના કેટલાક એજન્ડા છે જેને પૂર્ણ કરવાની જવાબદારી ભૂપેન્દ્ર પટેલની ટીમની બની છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારમાં જે કામો ઓનગોઇંગ હતા અને અને જે પ્રોજેક્ટ અધુરાં છે તેને પૂરાં કરવા સાથે ચૂંટણી જીતવા કઇ નવી યોજના લાવી શકાય તેમ છે તેનું માર્ગદર્શન પણ આ સભ્યો પાસેથી માગવામાં આવશે. નવી કેબિનેટમાં રાજેન્દ્ર ત્રિવેદી, જીતુ વાઘાણી, રાઘવજી પટેલ અને કિરીટસિંહ રાણાને વહીવટી તંત્રનો અનુભવ છે, જ્યારે મોટાભાગના મંત્રીઓ નવા નિશાળીયા છે. મંત્રીઓએ વધારે મહેનત કરીને તેમની કાબેલિયત બતાવવી પડશે.