વડોદરા અને આણંદ વચ્ચેના પુલ તૂટી પડવાની દુ:ખદ ઘટનાને ધ્યાને લઈ જામનગર જિલ્લામાં તમામ પુલોની તાત્કાલિક ચકાસણી કરાવવા માટે જિલ્લા કલેક્ટર દ્વારા આદેશ આપવામાં આવ્યા છે. જિલ્લા કલેક્ટરે કેતન ઠક્કરે જાહેર નિર્માણ વિભાગ, મ્યુનિસિપલ નગરપાલિકા તથા અન્ય સંબંધિત વિભાગોને સૂચના આપી છે કે શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાં આવેલાં તમામ પુલોની તાકીદે તક્નીકી ચકાસણી કરવામાં આવે છે. જો કોઈ પુલ નબળો કે જોખમજનક હાલતમાં જણાય, તો એ પુલ પર તરત વાહનવ્યવહાર બંધ કરીને રિપેરીંગ માટે જરૂરી કાર્યવાહી હાથ ધરવી.
અધિકારીઓને જણાવ્યું છે કે જાહેર જનતાની સુરક્ષા પ્રથમ પ્રાથમિકતા છે અને આવી દુર્ઘટનાઓ ફરી ન બને તે માટે શક્ય તેટલી ઝડપથી કાર્યવાહી કરવામાં આવે તે મુજબ કાર્યવાહી કરવા સુચન કરવામા આવેલ છે.
જિલ્લા વહીવટીતંત્રે પબ્લિકને પણ અપીલ કરી છે કે તેઓ પુલો વિશે કોઈપણ ખામી કે જોખમ જણાય તો તાત્કાલિક તંત્રને જાણ કરે જેથી સમયસર પગલા લઈ શકાય.
જામનગર જિલ્લામાં ચોમાસાની સિઝન પહેલાં સંભવિત જોખમને ધ્યાને રાખીને સમગ્ર જીલ્લાના કુલ 25 મેઝર પુલોની તપાસ કરવામાં આવી હતી. કાર્યપાલક ઈજનેર કે. બી. છૈયા દ્વારા જણાવવામાં આવ્યુ કે ઇન્સ્પેક્શન પ્રક્રિયામાં કોઈ પણ પુલ જોખમી સ્થિતિમાં હોવાનું સામે આવ્યું નથી. તમામ પુલોને સલામત હોવાનું સરકારી વિભાગ દ્વારા સ્પષ્ટ કરાયું છે.
તેઓના જણાવ્યા મુજબ, કાલાવડ તાલુકામાં કોઠા ભાડુકિયા નજીક આવેલ સિંચાઈ વિભાગના હસ્તકનો એક પુલ નબળો હોવાનું જણાયું હતું. તાત્કાલિક પગલાં રૂપે તેની રીપેરીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે જેથી વાહનવ્યહાર અને સામાન્ય જનજીવન પર કોઈ અસર ના પડે. વિભાગે વધુમાં જણાવ્યું હતું કે તમામ પુલોની સ્થિતિ પર સતત નજર રાખવામાં આવી રહી છે અને જરૂર જણાય તે સમયે યોગ્ય કામગીરી કરાશે.


