સંસદ પરના સ્મોક સ્ટીક હુમલાના પગલે સર્જાયેલી અફડાતફડીના માહોલ તથા સંસદની સુરક્ષા મુદે બન્ને ગૃહમાં સરકાર વિપક્ષ વચ્ચે સર્જાયેલા ઘર્ષણમાં છેલ્લા એક સપ્તાહમાં દેશની સંસદના ઈતિહાસમાં પ્રથમ વખત 143 વિપક્ષો સાંસદો સમગ્ર સત્ર માટે સસ્પેન્ડ થયા તેમાં હવે કોંગ્રેસ સહિતના ઈં.ગ.ઉ.ઈં.અ. ગઠબંધનના પક્ષો આજે દેશભરમાં જીલ્લા મથકોએ ધરણા કર્યા હતા.
કોંગ્રેસ પ્રમુખ મલ્લીકાર્જુન ખડગેએ આ મોટી સંખ્યામાં સાંસદોને સસ્પેન્ડ કરવાની ઘટનાને ‘બિનલોકશાહીભર્યુ કૃત્ય’ ગણાવ્યુ હતું. હવે આજે દિલ્હીમાં જંતરમંતર ખાતે કોંગ્રેસ તથા મોરચાના સાથી પક્ષોના ધરણાને કોંગ્રેસના પુર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સંબોધન કર્યું હતું. સંસદના શિયાળુ સત્રમાં લોકસભા અને રાજયસભામાંથી વિપક્ષી નેતાઓને સસ્પેન્ડ કરવામાં નવો રેકોર્ડ બન્યો છે અને કાલે સંસદનું સત્ર એક દિવસ વહેલું સમાપ્ત જાહેર કરવામાં આવ્યું હતું.
ગઈકાલે આ પ્રકારના પગલાના વિરોધમાં જુની સંસદ ઈમારતથી વિજય ચોક સુધી વિપક્ષી દળોએ કુચ કરી હતી અને આજે હવે કોંગ્રેસ અને તેના સાથી પક્ષો દેશભરમાં જીલ્લા મથકોએ ધરણા કરી રહયા છે. તથા બીજી તરફ દિલ્હીમાં જંતરમંતર પર સામુહિક ધરણા યોજવામાં આવ્યા છેે. કોંગ્રેસ હવે 2024 પુર્વે આ મુદા પર સડક ગજવવાનો નિર્ણય લીધો છે.