ગુજરાત સરકાર દ્વારા રમતવીરો માટે મોટો નિર્ણય લેવામાં આવ્યો છે. જેમાં રાજયભરમાંથી હજારો વિનંતીઓ અને પ્રતિભાવોને ધ્યાનમાં રાખીને ખેલમહાકુંભ 20રર માટે રજિસ્ટ્રેશન ફરીથી ચાલુ કરવામાં આવ્યું છે. રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ રજિસ્ટ્રેશન ઑપન કરવા માટે સૂચના આપી છે. આથી આજે અને આવતીકાલે રજિસ્ટ્રેશન ચાલુ રહેશે. આ અંગે રમત ગમત મંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યુ છે કે, રાજયના યુવાઓ-રમતવીરોને પ્રોત્સાહિત કરવા રાજય સરકાર દ્વારા પ્રતિવર્ષ ખેલ મહાકૂભનુ આયોજન કરાય છે. ખેલ મહાકુભની લોકપ્રિયતાને ધ્યાને લઈને આ વર્ષે યોજાઈ રહેલ ખેલ મહાકુભમા અંદાજે 55 લાખથી વધુ રમતવીરોએ રજિસ્ટ્રેશન કરાવ્યુ છે. આ માટેના રજિસ્ટ્રેશન માટે આજથી બે દિવસ માટે ખાસ કિસ્સામાં વિન્ડો ફરીથી ઓપન કરવાનો રાજય સરકારે નિર્ણય કર્યો છે. ઉલ્લેખનિય છે કે, બે દિવસ પહેલા કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દ્વારા રજૂઆત કરવામાં આવી હતી કે, હજુ પણ અનેક એવા ખેલાડીઓ છે, જેઓ ખેલ મહાકુંભમાં રજિસ્ટ્રેશનથી વંચિત રહી ગયા છે. આથી એ સમયે ગૃહમાં ખાતરી આપવામાં આવી હતી કે, વંચિત ખેલાડીઓ ભાગ લઈ શકે તે માટે રજિસ્ટ્રેશન ફરીથી ખોલવામાં આવશે. જે અંતર્ગત કેબિનેટ મંત્રી હર્ષ સંઘવી દ્વારા ખેલ મહાકુંભનું રજિસ્ટ્રેશન બે દિવસ માટે ખોલવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ખેલ મહાકુંભ માટે અત્યાર સુધીમાં 55.22 લાખ જેટલા રજિસ્ટ્રેશન થઈ ચૂક્યા છે. હવે બે દિવસ રજિસ્ટ્રેશન વિન્ડો ફરીથી ખોલવામાં આવતા આગામી દિવસોમાં વધારે રજિસ્ટ્રેશન થવાની શક્યતા છે