જામનગર જિલ્લામાં ગઇકાલે લાંબાસમય બાદ કોરોનાના કારણે એક દર્દીનું મૃત્યુ થયું હતું. જ્યારે જામનગર શહેરમાં 13 અને ગ્રામ્યમાં બે કેસ મળી કુલ 15 કેસ નોંધાયા હતાં. હાલમાં જામનગર શહેર-જિલ્લામાં કુલ 8 દર્દીઓ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે જામનગર શહેર-જિલ્લામાં કુલ 73 દર્દીઓ હોમઆઇસોલેશનમાં છે.
જામનગરમાં તહેવારો નજીક આવતાં કોરોના સંક્રમણના કેસો પણ વધી રહ્યાં છે. લાંબાસમય બાદ જામનગર તાલુકામાં એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. જામનગર તાલુકામાં કોવિડ-19ના કારણે દર્દીનું મૃત્યુ થતાં તંત્ર પણ હરકતમાં આવ્યું છે. જામનગર શહેરમાં ગઇકાલે ગુરુવારે 378 લોકોના કોરોનાલક્ષી પરિક્ષણ કરવામાં આવ્યા હતાં. જેમાં 13 દર્દીઓના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. તેમજ 11 દર્દીઓને કોરોના મુક્ત જાહેર કરવામાં આવ્યા હતાં. જ્યારે 7 દર્દીઓ હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે અને 62 દર્દીઓ હાલમાં હોમઆઇસોલેશનમાં છે.
જ્યારે જામનગર જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં 118 લોકોના એન્ટીજન ટેસ્ટ તથા 737 લોકોના આરટીપીસીઆર ટેસ્ટ કરવામાં આવ્યા હતાં. જે પૈકી લાલપુર તાલુકામાં બે દર્દીઓના કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા હતાં. કાલાવડ તાલુકાનો એક દર્દી હાલમાં હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે જોડિયાના 4, જામનગર તાલુકાના 4, લાલપુર તાલુકાના 2 અને કાલાવડ તાલુકાના 1 દર્દી હોમઆઇસોલેશનમાં છે.
જામનગર તાલુકામાં એક દર્દીનું કોરોનાના કારણે મૃત્યુ થયું છે. આગામી સમયમાં સાતમ-આઠમના તહેવાર નજીક આવી રહ્યાં છે. ત્યારે કોરોનાના કેસ વધતાં અને લાંબાસમય બાદ કોરોનાકાળે એક દર્દીનું મૃત્યુ થતાં તંત્રની સાથે લોકોમાં પણ ચિંતાની લાગણી છવાઇ છે.