જામનગરમાં પેલેસ રોડ પર રહેતા બોકસાઈટના એક વેપારી સાથે ઓનલાઈન છેતરપિંડીમાં વેકિસન બનાવવાના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી વેપારી પાસેથી એક કરોડ 35 લાખની રકમની છેતરપિંડી કરવા અંગે 14 શખ્સો સામે ફરિયાદ નોંધાવાઈ હતી. આ છેતરપિંડીના બનાવમાં પોલીસે તપાસનો દોર મુંબઇ સુધી લંબાવ્યા પછી નાઈજિરિયન યુગલે સહિત ત્રણ શખ્સોની ધરપકડ કરી રિમાન્ડ દરમિયાન પૂછપરછમાં નાઈજિરીયન યુગલે જમા કરાવેલો પાસપોર્ટ બોગસ હોવાનું ખૂલતા પોલીસે આ બન્ને શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગરમાં પેલેસ રોડ પર સ્નેહદીપ એપાર્ટમેન્ટમાં રહેતાં બોકસાઈટના ધંધાથી મનોજભાઈ અનંતરાય શાહએ 1 જૂનના દિવસે પોલીસમાં તેની સાથે વેકિસનના ધંધામાં 50 ટકા નફાની લાલચ આપી કટકે કટકે રૂા.1 કરોડ 35 લાખની રકમ ઓનલાઈન ટ્રાન્જેકશન મારફતે પડાવી લીધાની અને છેતરપિંડી આચરવા અંગે ટ્રેસી મુરફી, ડેવીડ હીલેરી, સોફીયા કેનેડી, એમ.બી. શર્મા, એમ.એચ. એન્ટરપ્રાઇઝ, વાયરલેસ એન્ટરપ્રાઇઝ, મીડીયાવાલા, શીવા એન્ટરપ્રાઇઝ, મુંગેશ યાદવ, કુણાલ વર્મા, અઝહર કરીમ, નવીનશંકર શર્મા, જનક એ. પટેલ કમ્બલે યાદવ સહિતના 14 આરોપીઓ સામે ફરિયાદ નોંધાવી હતી. આ પ્રકરણમાં પીઆઇ કે.જે.ભોયે તથા સ્ટાફે તપાસનો દૌર મુંબઇ સુધી લંબાવ્યો હતો. ત્યાં ડોમ્બિવલી વિસ્તારમાંથી નાઇજિરિયન યુગલની તેમજ તેની સાથે બેંક ખાતા મારફતે રૂપિયા ટ્રાન્સફર કરાવી નાખનાર જયેશ વસંતરાવ નામના એક મરાઠી શખ્સ સહિતના ત્રણ શખ્સોને પીઆઈ કે.જે. ભોયે તથા સ્ટાફે મુંબઇથી ઝડપી લઇ જામનગર લઈ આવ્યા હતાં અને ત્રણ શખ્સોને અદાલતમાં રજૂ કરવામાં આવતાં અદાલતે આ ત્રણેયના નવ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા હતાં.
રિમાન્ડ દરમિયાન ઓનીયે ઝીલીગબો હેપ્રોચી એ ઉર્ફે ચીમા ઉર્ફે એન્થોની ઉર્ફે કોંઝા (ઉ.વ.45) અને ઓકોનકવો પરપેચ્યુઅલ ગીફટ ઉર્ફે માઈકલ ગીફટ ઉર્ફે સોપિયા કેનેડી (ઉ.વ.37) નામના બન્ને નાઈજીરિયનોએ ભારતમાં છેલ્લા આઠ-દશ વર્ષથી રહેતાં હતાં અને નાઇજીરિયન સરકાર દ્વારા આપવામાં આવેલ પાસપોર્ટ નવી મુંબઇ બેલાપુર કમિશનર કચેરી ખાતે આવેલી એફઆરઓ ઓફિસમાં તેમજ કર્ણાટક રાજ્યના પોલીસ સ્ટેશનમાં જમા પડેલા હોવા છતાં ભારતમાં પાસપોર્ટ વગર ગેરકાયદેસર રહેવા માટે બનાવટી પાસપોર્ટ અને વીઝાઓનો ઉપયોગ કર્યાનું જામનગર પોલીસ તપાસ દરમિયાન ખૂલ્યું હતું. જેના આધારે પોલીસ ઈન્સ્પેકટરે ખૂદ ફરિયાદી બની બોગસ પાસપોર્ટ અને વીઝાનો ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.
આંતરરાષ્ટ્રીય છેતરપિંડી પ્રકરણમાં નાઇજીરિયન યુગલ વિરૂધ્ધ વધુ એક ગુનો
ભારતમાં અસલ પાસપોર્ટ જમા હોવા છતાં બનાવટી પાસપોર્ટ અને વીઝા રજૂ કર્યા : જામનગરમાં 1.35 કરોડની છેતરપિંડી પ્રકરણમાં રિમાન્ડ દરમિયાન ખૂલ્યુ