જામનગર શહેર અને જિલ્લા સહિત સમગ્ર રાજ્યમાં કોરોના સંક્રમણ ફરીથી ચિંતાજનક રીતે વકરતું જાય છે અને રાજ્યમાં પણ પોઝિટિવ કેસોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. જામનગર શહેરમાં સોમવારે સાંજ સુધીના રિપોર્ટમાં વધુ એક વ્યક્તિનું મોત નિપજ્યું હતું. જ્યારે એકને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો.
રાજ્યમાં કોરોના મહામારીની બીજી ઘાતક લહેરમાં અનેક લોકોએ જીવ ગુમાવ્યા હતાં અને આ લહેરના વિરામથી લોકોએ રાહત અનુભવી હતી પરંતુ છેલ્લાં બે સપ્તાહથી ઓમીક્રોન વેરિએન્ટના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે અને રાજ્યનો પહેલો પોઝિટિવ કેસ જામનગરમાં નોંધાયો હતો. ત્યારબાદ વધુ બે પોઝિટિવ કેસો નોંધાયા હતાં અને શહેરમાં કોરોના પોઝિટિવ કેસોની સંખ્યામાં પણ સતત વધારો થઇ રહ્યો છે અને મોત નિપજવાના બનાવો પણ બની રહ્યા છે. છેલ્લાં 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં વધુ એક વ્યકિતનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. જ્યારે એક વ્યક્તિનું કોરોનાની સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું તેમજ બે દર્દીઓ સાજા થઈ જતાં રજા આપવામાં આવી હતી.