Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરજામનગરના જયેશ પટેલ અને ત્રણ હત્યારા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ

જામનગરના જયેશ પટેલ અને ત્રણ હત્યારા વિરૂધ્ધ વધુ એક ફરિયાદ

એએસપી કૃણાલ દેસાઈ દ્વારા ફરિયાદ : બોગસ દસ્તાવેજોના આધારે પાસપોર્ટ બનાવ્યા : હત્યા નિપજાવનાર ત્રણ શખ્સો 12 દિવસના રિમાન્ડ પર : બોગસ પાસપોર્ટની તપાસ એસઓજીને સોંપાઈ

- Advertisement -

જામનગર શહેરના ટાઉનહોલ પાસેના ભરચકક વિસ્તારમાં ત્રણ વર્ષ પૂર્વે રાત્રિના સમયે એડવોકેટની સરાજાહેર કરાયેલી હત્યા પ્રકરણમાં ભૂમાફિયા જયેશ પટેલ સહિતના શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધાયો હતો. આ પ્રકરણમાં પોલીસે હત્યા નિપજાવનાર ત્રણ શખ્સોની કલકતાથી ધરપકડ કરી જામનગર લઇ આવ્યા બાદ 12 દિવસના રિમાન્ડ મેળવ્યા છે. જ્યારે આ પ્રકરણમાં પોલીસે ફરિયાદી બની જયેશ સહિતના ચાર શખ્સો વિરૂધ્ધ બોગસ પાસપોર્ટ બનાવ્યાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.

- Advertisement -

આ ચકચારી પ્રકરણની વિગત મુજબ, જામનગર શહેરમાં ટાઉન હોલ પાસેના મુખ્ય માર્ગ પર ત્રણ વર્ષ પૂર્વે રાત્રિના સમયે એડવોકેટ કિરીટ જોષી ઉપર અજાણ્યા શખ્સોએ છરીના અસંખ્ય ઘા ઝીંકી નિર્મમ હત્યા નિપજાવ્યાના બનાવમાં ભૂમાફિયા જયસુખ ઉર્ફે જયેશ મુળજીભાઈ રાણપરિયા સહિતના શખ્સો વિરૂધ્ધ હત્યાનો ગુનો નોંધ્યો હતો. આ પ્રકરણમાં જિલ્લા પોલીસવડા દિપન ભદ્રનની સૂચનાથી એલસીબી અને એસઓજી સહિતની ટીમો દ્વારા સ્પેશિયલ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. આ ઓપરેશન અંતર્ગત પોલીસે એડવોકેટની હત્યા નિપજાવનાર દિલીપ નટવર પુજારા ઠકકર, હાર્દિક નટવર પુજારા ઠકકર અને જયંત અમૃત ચારણ નામના ત્રણ શખ્સોની કલકતાથી ધરપકડ કરી જામનગર લઇ આવ્યા બાદ અદાલતમાં રજૂ કરતા 12 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર રાખ્યા છે. રિમાન્ડ દરમિયાન ખુલેલી વિગતોમાં આ ત્રણેય શખ્સોને જયસુખ ઉર્ફે જયેશ પટેલે સોપારી આપી હોવાનું ખૂલ્યુ હતું. આ ત્રણેય શખ્સોએ જયેશની મદદથી પૂર્વઆયોજીત કાવતરુ રચી બનાવટી આધારકાર્ડ, ચૂંટણીકાર્ડ, જન્મતારીખના દાખલા અને પાસપોર્ટ બનાવ્યાં હતાં.

પોલીસે આ ત્રણેય શખ્સોની રિમાન્ડ દરમિયાન યુ-4311659, યુ-4311660, યુ-4311661 નંબરના બોગસ પાસપોર્ટ ખોટા દસ્તાવેજોના આધારે બનાવ્યા હોય અને વિદેશ મુસાફરી પણ કરી આવ્યા છે. તેના આધારે જામનગરના એએસપી કૃણાલ દેસાઈએ સિટી એ ડિવિઝનમાં દિલીપ નટવર પુજારા ઠકકર, હાર્દિક નટવર પુજારા ઠકકર અને જયંત અમૃત ચારણ અને જયસુખ ઉર્ફે જયેશ મુળજી રાણપરિયા તથા આ બોગસ પાસપોર્ટમાં મદદ કરનાર અજાણ્યા સહિતના શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે અને જિલ્લા પોલીસવડાએ આ તપાસ એસઓજીને સોંપી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular