Friday, October 18, 2024
Homeવિડિઓમાવઠાનો માર : કલ્યાણપુરમાં એક, ખંભાળિયા, કાલાવડ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ -...

માવઠાનો માર : કલ્યાણપુરમાં એક, ખંભાળિયા, કાલાવડ, લાલપુરમાં અડધો ઇંચ વરસાદ – VIDEO

કમોસમી વરસાદથી વાતાવરણ બન્યું ઠંડુગાર : ખેડૂતોના પાકને નુકસાનીથી ચિંતાની લાગણી : કલ્યાણપુર પંથકમાં કરા પડતાં ખેતરોમાં બરફની ચાદર છવાઇ : જામનગર શહેરમાં વરસાદી ઝાપટાથી માર્ગો પર પાણી ફરી વળ્યા

- Advertisement -

હાલારમાં ગઇકાલે રવિવારે આવેલા વાતાવરણમાં પલ્ટાથી ભરશિયાળે ચોમાસાનો માહોલ જોવા મળ્યો હતો. કમોસમી વરસાદથી વાતાવરણ ઠંડુગાર બન્યું હતું. તો બીજીતરફ ખેડૂતોમાં ચિંતાની લાગણી છવાઇ હતી. ગઇકાલે રવિવારે દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં 1 ઇંચ, ખંભાળિયામાં અડધો ઇંચ તેમજ જામનગર જિલ્લાના કાલાવડ તથા લાલપુરમાં અડધો ઇંચ અને જામનગર શહેર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં ભારે ઝાપટા વરસતાં માર્ગો પર પાણી ફરી વળ્યા હતાં. કમોસમી વરસાદના ઝાપટાઓથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.

- Advertisement -

રાજ્યના હવામાન વિભાગ દ્વારા જામનગર સહિત રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી. આ દરમિયાન ગઇકાલે રવિવારે જામનગર સહિત હાલાર પંથકમાં વાતાવરણમાં પલ્ટો આવ્યો હતો. સવારે આકાશમાં વાદળો છવાયા બાદ કમોસમી વરસાદથી શહેરના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતાં. છેલ્લા 24 કલાક દરમિયાન જામનગર જિલ્લાના લાલપુરમાં 10 મીમી, કાલાવડમાં 9 મીમી, જામનગર શહેરમાં 5 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે ધ્રોલ તેમજ અન્ય તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. જામનગર શહેરમાં વરસેલા વરસાદી ઝાપટાથી માર્ગ ઉપર પાણીના ખાબોચિયા ભરાઇ ગયા હતાં. તો લોકોને પણ માર્ગો પર ઉભા રહી જવું પડયું હતું.

- Advertisement -

જામનગરની સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ રવિવારે વાતાવરણમાં પલ્ટા સાથે વરસાદ વરસ્યો હતો. ગઇકાલે સવારથી જુદા જુદા વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ સર્જાયા બાદ સવારે દશેક વાગ્યે ખંભાળિયા પંથકમાં મેઘાવી માહોલ છવાયો હતો અને વિજળીના કડાકા-ભડાકા સાથે સતત 10થી 15 મિનિટ સુધી વરસાદનું જોરદાર ઝાપટુ વરસી જતાં માર્ગો પર પાણી વ્હેવા લાગ્યા હતાં. ખંભાળિયા તાલુકામાં 14 મીમી વરસાદ નોંધાયો હતો. જ્યારે કલ્યાણપુર તાલુકામાં 29 મીમી વરસાદ વરસ્યો હતો. જ્યારે અન્ય ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદી ઝાપટા જોવા મળ્યા હતાં. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં કરાનો વરસાદ વરસ્યો હતો. કલ્યાણપુર તાલુકાના મેઘપરટીટોડી, ગઢકા ઉપરાંત ખંભાળિયાના મોવાણ સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં બપોરે કરા પડયા હતાં. કરા વરસતા ખેતરોમાં જાણે બરફની ચાદર છવાઇ ગઇ હોય. તેવું દ્રશ્ય જોવા મળ્યું હતું.

જામનગર તાલુકાના ફલ્લા તથા નજીકના ગામોમાં પણ ગઇકાલે સવારથી જ વરસાદી વાતાવરણ જામ્યું હતું અને બપોરે ગાજવીજ સાથે જોરદાર ઝાપટા વરસી પડયા હતાં. ખેડૂતોએ પોતાની જણસો ઠેકાણે પાડી હતી. આમ છતાં કપાસ અને મગફળીના તૈયાર પાકને તેમજ ખેતરોમાં રહેલ પાકને ભારે નુકસાની થઇ હતી. જામનગર સહિત હાલાર પંથકમાં થયેલા કમોસમી વરસાદને પરિણામે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી. તો બીજીતરફ વરસાદને કારણે ઉભા પાકને ભારે નુકસાન થયું હતું. ખેતરોમાં ખુલ્લામાં પડેલી ખેતઉપજોને ભારે નુકસાન થતાં ખેડૂતોના જીવ અધ્ધરતાલ થયા હતાં. રવિપાકોને પણ ભારે નુકસાન થયું છે. બીજીતરફ હાલમાં જામજોધપુર સહિતના માર્કેટિંગ યાર્ડોમાં કપાસ-મગફળી સહિતની જણસીઓની ધૂમ આવક હોય, યાર્ડના તંત્ર દ્વારા વરસાદની આગાહીને ધ્યાને લઇ અગાઉથી જ સાવચેતીના ભાગરુપે જણસીની આવક બંધ કરી દેવામાં આવી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular