Friday, October 18, 2024
Homeરાજ્યહાલારભાણવડ નજીક થયેલા ટ્રકના અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર

ભાણવડ નજીક થયેલા ટ્રકના અકસ્માતમાં એકનું મોત, બે ગંભીર

- Advertisement -

ભાણવડ નજીક રહેતા એક ભરવાડ પરિવારને ત્યાં સગાઈ પ્રસંગે આવી રહેલા લાલપુર પંથકના એક આઇસર ટ્રકનો અકસ્માત સર્જાતા પલટી ખાઈ ગયેલા આ ટ્રકમાં સવાર એક આધેડનું મૃત્યુ નિપજ્યું હતું. જ્યારે અન્ય એક ડઝન જેટલા જાનૈયાઓને નાની-મોટી ઈજાઓ સાથે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

- Advertisement -

આ અંગેની વિગત મુજબ, લાલપુર તાલુકાના મેમાણા ગામે રહેતા એક ભરવાડ પરિવારના યુવાનની સગાઈ દેવભૂમિ દ્વારકા જિલ્લાના ભાણવડ તાલુકાના ભેનકવડ ગામે થઈ હતી. આ સગાઈમાં વર પક્ષના આશરે બે ડઝન જેટલા જાનૈયાઓ આશરે સાતેક વાગ્યાના સમયે મેમાણા ગામેથી જીજે-14-ઝેડ-4546 નંબરના ટાટા-909 ટ્રકમાં બેસીને સગાઈ પ્રસંગે તેમજ લગ્ન લેવા માટે નીકળ્યા હતા. આ ટ્રકને જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના હરીપર ગામે રહેતો મનીષ બાબુભાઈ ભુંડિયા નામનો ચાલક ચલાવી રહ્યો હતો.

આશરે સવા નવેક વાગ્યાના સમયે જાનૈયાઓ સાથેનું આ આઇસર ભાણવડ તાલુકાના ધારાગઢ ગામે આવેલા રેલ્વે ફાટકની અંદર પ્રવેશી રહ્યું હતું, ત્યારે ટ્રકના ચાલક મનીષભાઈ ભૂંડીયાએ તેનો ટ્રક પુરઝડપે ચલાવતા ટ્રકના સ્ટીયરીંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો. જેના કારણે આ ટ્રક રેલવે ફાટકની લોખંડની રેલિંગ તોડીને જમણી સાઈડમાં આવેલા એક ખાડામાં પલટી ખાઈ ગયું હતું.

- Advertisement -

આ અકસ્માત સર્જાતા સમગ્ર વિસ્તાર માનવ ચીસોથી ગુંજી ઉઠ્યો હતો. જેના કારણે આસપાસના વિસ્તારના રહીશો દોડી આવ્યા હતા અને ઘવાયેલાઓને તાકીદે ટ્રકમાંથી બહાર કાઢી, ઇમરજન્સી 108 એમ્બ્યુલન્સ મારફતે સ્થાનિક હોસ્પિટલમાં તેમજ કેટલાક ગંભીર રીતે ઘવાયેલા મુસાફરોને વધુ સારવાર અર્થે જામનગરની જી.જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. આ બનાવના અનુસંધાને ભાણવડના પી.એસ.આઈ. એમ.આર. સવસેટા તેમજ સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

આ અકસ્માતમાં ટ્રકમાં જઈ રહેલા માલાભાઈ હમીરભાઇ ઝુંઝા (ઉ.વ. 50, રહે. મેમાણા) ને માથાના ભાગે તેમજ શરીરના જુદા-જુદા ભાગોમાં ગંભીર ઈજાઓ થતા તેમનું મૃત્યુ નીપજ્યું હતું. જ્યારે ટ્રકના ચાલક મનીષભાઈને પણ ગંભીર ઈજાઓ સાથે વધુ સારવાર અર્થે જી.જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. આ અકસ્માતમાં ગંભીર રીતે ઘવાયેલાઓ પૈકી એકાદ-બે જાનૈયાઓની તબિયત નાજુક ગણાવાઈ રહી છે. આ અકસ્માતમાં 14 જેટલા મુસાફરોને ફ્રેક્ચર સહિતની ઈજાઓ થતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

- Advertisement -

આ અંગે લાલપુર તાલુકાના મેમાણા ગામના રહીશ ભરવાડ મેઘાભાઈ રવાભાઈ ઝુંઝા (ઉ.વ. 44) ની ફરિયાદ પરથી ભાણવડ પોલીસે ટ્રકના ચાલક મનીષભાઈ બાબુભાઈ ભુંડિયા સામે આઈપીસી કલમ 279, 304 (અ), 337, 338, તથા એમ.વી. એક્ટની કલમ હેઠળ ગુનો નોંધી, આગળની તપાસ પી.એસ.આઈ. એમ.આર. સવસેટાએ હાથ ધરી છે.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular