દેવભૂમિ દ્વારકા જિલ્લા એલસીબી પોલીસે ગઈકાલે દેશી દારૂ અંગેની કાર્યવાહી કરી, બરડા ડુંગર વિસ્તારના નેશમાંથી દારૂની ધમધમતી ભઠ્ઠી પકડી પાડી હતી.
જિલ્લા એલસીબી પોલીસ દ્વારા પી.આઈ. કે.કે. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભાણવડ પંથકમાં હાથ ધરવામાં આવેલા પેટ્રોલિંગ દરમિયાન એએસઆઈ જયદેવસિંહ જાડેજા, દેવાભાઈ મોઢવાડિયા તથા નારણભાઈ બેલાને મળેલી ચોક્કસ બાતમીના આધારે ભાણવડ તાલુકામાં આવેલા બરડા ડુંગર સ્થિત જાંબુડીયા નેશ ખાતે દરોડો પાડી, જાહેરમાં ધમધમતી દેશી દારૂની ચાલુ હાલતમાં ભઠ્ઠી પકડી પાડી હતી.
આ સ્થળેથી પોલીસે 220 લિટર દેશી દારૂ, 2,400 લીટર દારૂ બનાવવાનો આથો તથા અન્ય સાધન સામગ્રી મળી કુલ રૂપિયા 10,200 નો મુદ્દામાલ કબજે કર્યો હતો. દેશી દારૂની આ ભઠ્ઠી જાંબુડીયા નેશ ખાતે રહેતા કારા વેજા રબારી નામના શખ્સ દ્વારા ચલાવવામાં આવતી હોવાનું પોલીસના ધ્યાનમાં આવ્યું હતું. જોકે આ શખ્સ આ સ્થળે મળી આવ્યો નહોતો. આથી પોલીસે કારા વેજા રબારીને હાલ ફરાર ગણી, પ્રોહી. એક્ટ મુજબ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે.