Friday, December 27, 2024
Homeરાજ્યજામનગરછોટીકાશીમાં શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં શિવભકતોની ભીડ

છોટીકાશીમાં શ્રાવણના બીજા સોમવારે શિવાલયોમાં શિવભકતોની ભીડ

વહેલી સવારથી જ શિવભકતો ઉમટયા : જળાભિષેક તથા દૂગ્ધાભિષેક સાથે બમ-બમ ભોલેનો નાદ ગુંજાવતા દર્શનાર્થીઓ

- Advertisement -

છોટીકાશી તરીકે સુપ્રસિધ્ધ જામનગર શહેરમાં પવિત્ર શ્રાવણ માસના બીજા સોમવારે શિવાલયોમાં વહેલી સવારથી જ શિવભકતોની લાંબી કતારો લાગી હતી. ભગવાન ભોળાનાથને રીઝવવા શિવભકતો વહેલી સવારથી જ ઉમટયા હતા. અને દુગ્ધાભિષેક તથા જળાભિષેક સાથે શિવજીની આરાધના કરી હતી. નાના-મોટા અનેક શિવાલયોમાં ભાવિકોના ઘોડાપુર ઉમટતાં બમ-બમ ભોલે અને હર-હર મહાદેવનો નાદ ગુંજી ઉઠયો હતો. લોકોએ લાઇનમાં ઉભા રહીને પણ શિવજીની પૂજા અર્ચના કરી હતી.

- Advertisement -

જામનગર શહેરના પુરાણપ્રસિદ્ધ સિદ્ધનાથ મહાદેવ મંદિર, નગરની મધ્યમાં આવેલા સુપ્રસિદ્ધ ભીડભંજન મહાદેવ મંદિર, જેના ચારેય દ્વારેથી દર્શન કરી શકાય તેવા કાશી વિશ્વનાથ મહાદેવ મંદિર, નાગેશ્વર મહાદેવ મંદિર, નીલકંઠ મહાદેવ મંદિર, વૈજનાથ મહાદેવ મંદિર, પ્રતાપેશ્વર મહાદેવ મંદિર, નર્મદેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત શહેરના અન્ય વિસ્તારોમાં આવેલા જડેશ્વર મહાદેવ મંદિર, સુખનાથ મહાદેવ મંદિર, મણિકંકેશ્વર મહાદેવ મંદિર સહિતના શિવાલયોમાં વહેલી સવારથી જ શિવ ભક્તોએ દર્શન માટે કતાર લગાવી હતી અને રુદ્રાભિષેક- જલાભિષેક સહિતની પૂજા-અર્ચના કરી હતી. તેમ જ ભગવાન શિવજીના પ્રિય એવા બિલ્વપત્રને માથે ચડાવી દર્શનનો લ્હાવો લીધો હતો.

જામનગરના પ્રત્યેક શિવાલયમાં પ્રતિદિન સાંજે નિત નવા દર્શન ની ઝાંખી જોવા મળી રહી છે, સાથ સાથ નગરના મોટાભાગના શિવાલયો ને ઝળહળતી રોશની થી સજજ બનાવી દેવાયા છે, જેનો અનન્ય નજારો નિહાળીને શિવભક્તો ભાવવિભોર થયા છે. કેટલાક શિવ મંદિરોમાં તો રાત્રિના સમયે દર્શનાર્થે આવે છે, તે દરમિયાન ભાવિકો પોતાના મોબાઈલ ફોનમાં શિવ મંદિરની રોશની સાથેની સેલ્ફી પણ પડાવી રહેલા જોવા મળી રહ્યા છે.

- Advertisement -

જામનગર મહાનગરપાલિકાના સફાઈ તંત્ર દ્વારા શહેરના તમામ શિવાલયના દ્વારા કાળજી પૂર્વકની સાફ સફાઈ કરવામાં આવી રહી છે. ઉપરાંત જામનગરના પોલીસ વિભાગ અને હોમગાર્ડના જવાનોને પણ અલગ અલગ શિવ મંદિરોના દ્વારે બંદોબસ્ત માટે મૂકવામાં આવ્યા છે. શહેરના મુખ્ય માર્ગો પર ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે શહેરની મધ્યમાં આવેલા શિવ મંદિરની બહાર ટ્રાફિક પોલીસના જવાનોને પણ મૂકવામાં આવ્યા છે.

 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular