જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં ઘણાં સમયથી નવજાત શિશુને તરછોડી દેવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધી રહી છે. ત્યારે જન્માષ્ટમીની રાત્રે જ કસ્તુરબા સ્ત્રી વિકાસ ગૃહના અનામી પારણામાં કોઇ મહિલા તાજુ જન્મેલું બાળક છોડીને જતી રહી હતી. ત્યારબાદ બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેર અને જિલ્લામાં છેલ્લાં થોડા સમયથી તાજા જન્મેલા બાળકને તરછોડી દેવાની ઘટનાઓ ચિંતાજનક રીતે વધતી જાય છે પોલીસ પણ આવી ઘટનાનો ભેદ ઉકેલી બાળકને સલામત સ્થળે પહોંચાડવાની ફરજ નિભાવે છે ત્યારે જામનગરની કસ્તુરબા વિકાસ ગૃહ સંસ્થા દ્વારા અનામી પારણા અંગેની જાણકારી આપવામાં આવી હતી. આ અનામી પારણામાં જન્માષ્ટમીની મધ્યરાત્રિના જ કોઇ મહિલા બાળક પારણામાં મૂકીને જતી રહી હતી. આ ઘટના બાદ બાળકને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યું હતું અને આ અંગેને પોલીસમાં પણ જાણ કરવામાં આવી હતી. જો કે, સંસ્થા દ્વારા બાળકની સારસંભાળ રાખવામાં આવી રહી છે. તેમ સંસ્થાના પ્રમુખ કરશનભાઇ ડાંગર દ્વારા જણાવાયું હતું.