ભારત સહીત વિશ્વભરમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. સાથે સાથે નવા વેરિયન્ટ ઓમીક્રોને ચિંતા વધારી છે. આજે રોજ કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટ વિષે માહિતી આપતા સ્વાસ્થ્ય મંત્રાલયના સંયુક્ત સચિવ લવ અગ્રવાલે જણાવ્યું છે કે 24 નવેમ્બરે માત્ર બે દેશોમાં ઓમીક્રોન ફેલાયો હતો. આજની સ્થિતિએ કુલ 59 દેશોના કોરોનાપોઝીટીવ દર્દીઓમાં ઓમીક્રોન વેરીયન્ટ જોવા મળ્યો છે. ભારતમાં 26 કેસ છે. ગુજરાતમાં 3 કેસ છે. જે ત્રણે જામનગરના એક જ પરિવારના દર્દીઓ છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે કહ્યું છે કે દેશમાં અત્યાર સુધીમાં ઓમિક્રોન વેરિઅન્ટના 25 કેસ નોંધાયા છે. ત્યારબાદ આજે મુંબઈમાં એક કેસ નોંધાતા કુલ 26 કેસ થયા છે. સ્વાસ્થ્ય મંત્રાલયના જોઈન્ટ સેક્રેટરી લવ અગ્રવાલે જણાવ્યું કે અત્યાર સુધી મળી આવેલા તમામ કેસમાં હળવા લક્ષણો જોવા મળ્યા છે. રાજસ્થાનમાં 9, ગુજરાતમાં 3, મહારાષ્ટ્રમાં 11, કર્ણાટકમાં 2, દિલ્હીમાં એક વ્યક્તિમાં આ વેરિયન્ટ જોવા મળ્યો છે. ત્યારે રાહતના સમાચાર એ છે રાજસ્થાનમાં તમામ 9 વ્યક્તિ સ્વસ્થ થયા છે અને તેમનો રીપોર્ટ પણ નેગેટીવ આવ્યો છે. મહરાષ્ટ્રમાં પણ ઓમીક્રોન સંક્રમીત એક યુવક સંપૂર્ણ સ્વસ્થ થયો છે. એટલે કે કુલ 26 કેસ માંથી 10 લોકો સ્વસ્થ થઇ ચૂકયા છે.
વિશ્વમાં અત્યાર સુધી કુલ 59 દેશોમાં ઓમીક્રોનના 2936 કેસ નોંધાયા છે. અને શંકાસ્પદ 78054ના જીનોમ સીક્વન્સિંગ ચાલી રહ્યા છે. ઓમીક્રોનના વધી રહેલા સંક્રમણ વચ્ચે આવતીકાલે કેબીનેટ સેક્રેટરી બેઠક યોજવાના છે. વેક્સીનેશનની વાત કરવામાં આવે તો ભારતમાં 18 વર્ષથી ઉપરના 86% લોકોએ પ્રથમ ડોઝ લઇ લીધો છે. જે પૈકી 53% લોકો સંપૂર્ણ વેક્સીનેટેડ થઇ ચુક્યા છે.