ભારતમાં શનિવારના રોજ ઓમીક્રોનના માત્ર 3 કેસ હતા. રવિવારે તે સંખ્યા વધીને 21 થઇ આજે આજે રોજ મુંબઈમાં વધુ બે કેસ નોંધાતા દેશમાં કોરોનાના ઓમીક્રોન વેરીયન્ટ ધરાવતા કેસોની સંખ્યા 23 થઇ છે. જેના પરિણામે દેશભરમાં ચિંતા વધી છે. ગુજરાતની વાત કરવામાં આવે તો માત્ર જામનગરમાં જ એક કેસ નોંધાયો છે. તો રાજકોટ અને અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં ઓમીક્રોન વોર્ડ ઉભા કરવામાં આવ્યા છે.
આજે મહારાષ્ટ્રના મુંબઈમાં ઓમીક્રોનના વધુ 2 કેસ નોંધાતા મહારાષ્ટ્રમાં ઓમીક્રોન વેરીયન્ટથી સંક્રમિત દર્દીઓની સંખ્યા વધીને 10 થઇ છે. આ ઉપરાંત ગુજરાતમાં 1, જયપુરમાં 9 કેસ, દિલ્હીમાં 1 કેસ, કર્ણાટકમાં 2 કેસ છે. ભારતમાં સોમવાર સાંજ સુધીમાં કુલ 23 કેસ નોંધાયા છે. ત્યારે આઈઆઈટીના વૈજ્ઞાનિકો દ્વારા એક રીસર્ચમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે ભારતમાં ફેબ્રુઆરીમાં કોરોનાની ત્રીજી લહેર આવી શકે છે. પરંતુ તે બીજી લહેર જેટલી ઘાતક નહી હોય.
બ્રિટનમાં ઓમીક્રોનના કુલ 246 કેસ થયા છે. અહીં રવિવારે ઓમિક્રોનના 86 નવા કેસ સામે આવ્યા હતા. અમેરિકામાં 15 રાજ્યમાં કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ફેલાઈ ચૂક્યો છે. સંક્રમણના વધતા જોખમ બાબતે અમેરિકામાં વેક્સિનનો પ્રથમ અને બૂસ્ટર ડોઝ લેનારની સંખ્યામાં લગભગ 66% જેટલો વધારો થયો છે. અમેરિકામાં અત્યારસુધીમાં 15 રાજ્યમાં ઓમિક્રોનના કેસ સામે આવી ચૂક્યા છે.
કોરોનાના ઓમિક્રોન વેરિયન્ટથી સૌથી વધુ અસરગ્રસ્ત દક્ષિણ આફ્રિકા છે. રાષ્ટ્રપતિ સિરિલ રામાફોસાએ જણાવ્યું હતું કે આફ્રિકાની હોસ્પિટલોમાં દાખલ થઈ રહેલા દર્દીઓની સંખ્યામાં કોઈ વધારો નોંધાઈ રહ્યો નથી.