જામનગર શહેરના પવનચકકી પાસે આવેલા બિલ્ડિંગ નજીકથી બેશુધ્ધ હાલતમાં મળી આવતા ચોકીદાર વૃદ્ધનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું. જામનગરના વિભાપર નજીક રેલવેના ટ્રેક પર ટ્રેન હેઠળ આવી જતાં અજાણ્યા પુરૂષનો મૃતદેહ મળી આવતા પોલીસે ઓળખ મેળવવા તપાસ આરંભી હતી.
આ અંગેની વિગત મુજબ, જામનગર શહેરના પવનચકકી વિસ્તારકમાં આવેલા નવા બિલ્ડિંગ નજીકથી ત્રણ દિવસ પહેલાં વહેલીસવારના સમયે ચોકીદાર ભીમજીભાઈ જીવાભાઈ ઘેટીયા (ઉ.વ.75) નામના વૃધ્ધ બેશુદ્ધ હાલતમાં મળી આવતા સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતાં. જ્યાં તેમનું સારવાર દરમિયાન મોત નિપજ્યાનું તબીબોએ જાહેર કર્યુ હતું. આ અંગેની જાણ મૃતકના પુત્ર ગોવિંદભાઈ દ્વારા કરવામાં આવતા હેકો એમ એમ ગોગરા તથા સ્ટાફ હોસ્પિટલે પહોંચી જઇ મૃતદેહનો કબ્જો સંભાળી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ, જામનગર નજીક આવેલ વિભાપરથી મેલડી માતાજીના મંદિર તરફ જતા રેલવેના 190 નંબરના ફાટકની બાજુમાં રેલવે ટ્રેક પરથી બે દિવસ પહેલાં સાંજના સમયે અજાણ્યા પુરૂષ ટ્રેન હેઠળ આવી જતા ગંભીરઈજા પહોંચતા ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. બનાવ અંગેની મોહનભાઈ દ્વારા જાણ કરાતા પીએસઆઈ એમ.એલ. ઓડેદરા તથા સ્ટાફે સ્થળ પર પહોંચી જઇ મૃતદેહનો કબજો સંભાળી ઓળખ મેળવવા તજવીજ આરંભી હતી. મૃતકના જમણા હાથની કોણીમાં અંદરની બાજુ શિવજી, ત્રિશુલ અને ડમરૂનું ટેટુ ત્રોફાવેલ છે. આ પુરૂષ અંગેની કોઇપણ વિગત હોય તો બેડી મરીન પોલીસ સ્ટેશન (મો.6359627846) ઉપર સંપર્ક કરવા પોલીસની યાદીમાં જણાવાયું છે.