સુપ્રીમ કોર્ટે ગુરુવારે મહત્વનો ચુકાદો આપતા જણાવ્યું છે કે જો અનામત કેટેગરીના ઉમેદવારનું મેરિટ છેલ્લાં રેન્કના સામાન્ય ઉમેદવાર કરતા વધારે સારું હોય તો તે ઓપન ક્વોટાનો હકદાર છે. આવી સ્થિતિમાં અનામત કક્ષાના ઉમેદવાર સામાન્ય કેટેગરીની સીટ મેળવવા માટે દાવો કરી શકે છે.
સુપ્રીમ કોર્ટે જણાવ્યું કે સામાન્ય કેટેગરીમાં તેમની નિમણૂકને ધ્યાનમાં લીધા પછી, અનામત બેઠકો મેરિટના આધારે બાકીના અનામત વર્ગના ઉમેદવારોમાંથી ભરવાની જરૂર છે. કારણકે જનરલ કેટેગરીથી વધુ માર્કસ કે રેન્ક મેળવતા હોય તો તે ઉમેદવાર જનરલ કેટેગરીમાં પ્રવેશ- નોકરીનો અધિકાર કે નિયુક્તિને પાત્ર ગણાશે અને અનામત કેટેગરીમાં જે તે અનામત વર્ગના અન્ય વિદ્યાર્થીને લાભ આપી શકાશે.
સુપ્રીમ કોર્ટ સમક્ષ એ મુદો હતો કે મેરીટમાં જનરલ કેટેકરી કરતા ઉંચા માર્કસ મેળવનાર અરજદારને અનામતના બદલે જનરલ કેટેગરીના યાદીમાં સમાવી શકાય કે કેમ તેના આધારે જસ્ટિસ એમ.આર.શાહ અને જસ્ટિસ બી.વી. નાગરત્નાની બેન્ચે અવલોકન કર્યું હતું કે, જ્યારે બે અનામત કેટેગરીના ઉમેદવારો જનરલ કેટેગરીમાં નિયુક્ત કરવામાં આવશે, તો તેની પર વિવાદ થવો જોઈએ નહીં. અને અનામત કેટેગરીની ખાલી જગ્યાઓ સામે માત્ર અનામત કેટેગરીના ઉમેદવારોની નિમણૂંક કરવી જોઈએ.