હવે જામનગરના ગ્રામ વિસ્તારોમાં પંચાયતી કાર્યોમાં વધુ સુલભતા આવશે. જામનગર જિલ્લાની ગ્રામપંચાયતોને અદ્યતન બનાવી ગ્રામ વિકાસમાં પંચાયતના યોગદાનને વધુ સુદ્રઢ કરવા માટે જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા ઝુંબેશના ધોરણે અદ્યતન ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ નિર્માણનું કામ હાથ ધરવામાં આવનાર છે.
જામનગર જિલ્લાની અનેક ગ્રામ પંચાયત કચેરીઓના મકાનો અત્યંત જર્જરિત થઇ ગયેલ છે તેમજ જે તે સમયે ગ્રામ પંચાયત કચેરીનું નિર્માણ પણ ખૂબ જ નાના માપ-સાઈઝની ડિઝાઇનમાં બનેલ છે તે ધ્યાને આવતા જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલ દ્વારા આજના સમયને અનુરૂપ મોટી જગ્યા, જેમાં રેકોર્ડ રૂમ, કચેરીની રોજ-બરોજની કામગીરી તેમજ ઇ-ગ્રામ સેવાઓ માટે અલાયદો રૂમ, તલાટી અને સરપંચની ઓફિસ, સુરક્ષા માટે કમ્પાઉન્ડ વોલ સહિતનું ગ્રામ પંચાયત ભવન હોવું તે પ્રાથમિક આવશ્યકતા રૂપ જણાયું હતું. સાથોસાથ પંચાયત કચેરીમાં જ તલાટી આવાસ હોય તો તલાટીમંત્રી પોતાની ફરજો વધુ સારી રીતે નિભાવી શકે તેમ અનુભવાયું હતું.
આ બાબતોને લક્ષમાં રાખીને જર્જરિત ગ્રામ પંચાયત કચેરીના સ્થાને નવી ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ યોજના હેઠળ નવું મકાન બનાવવા માટે જી+1વાળા પ્લાન ડિઝાઇન (જેમાં ભોંતળિયે ગ્રામ પંચાયત ઓફિસ અને પ્રથમ માળે તલાટી આવાસ) તૈયાર કરવા તેમજ આ મકાનો મનરેગા યોજના હેઠળ બનાવવા માટે સરકારમાં દરખાસ્ત કરવા માટે એક પ્રોજેક્ટ તૈયાર કરાયો હતો. આ પ્રોજેક્ટમાં જે ગામોમાં (1) 25 વર્ષ કરતાં વધુ અને જર્જરીત મકાન હોય (2) 25 વર્ષ કરતા ઓછો સમય થયો હોય પણ જર્જરિત મકાન હોય અને (3) ગ્રામ પંચાયત ઘર વિહોણા હોય તેવી ગ્રામ પંચાયતોની યાદી તૈયાર કરવામાં આવી. આ યાદીના ગામોમાં નવીન મકાન બનાવવા માટે પર્યાપ્ત જમીન પણ ઉપલબ્ધ કરાવાઈ, સાથોસાથ જર્જરિત થયેલ મકાનના ફોટોગ્રાફ્સ, ગ્રામ પંચાયતનનો ઠરાવ, નવું મકાન બનાવવા માટેની ચોક્કસ જગ્યા, દિશાસૂચક રફ સ્કેચ, ગામની વસ્તી સહિતની અન્ય આવશ્યક માહિતી તૈયાર કરી જામનગર જિલ્લાના કુલ 98 ગામોમાં નવીન પંચાયત ઘર બનાવવાનો પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો. જે અંતર્ગત વિકાસ કમિશનર દ્વારા તાજેતરમાં જ 71 ગ્રામ પંચાયત કચેરીઓ માટે ગ્રામ પંચાયત દીઠ રૂ.14.00 લાખ એટલે કે કુલ 09.94 કરોડના ખર્ચે મનરેગા મારફત નવા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ બનાવવાની પરવાનગી આપવામાં આવેલ છે.
જામનગર જિલ્લામાં સૌપ્રથમ વાર એકસાથે 71 નવા ગ્રામ પંચાયત ઘર મંજુર થયા છે. આ પ્રોજેક્ટને પાયલોટ પ્રોજેક્ટ ગણીને આગામી એક વર્ષમાં જ તમામ ગામમાં અદ્યતન નવીન ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસોના નિર્માણ કાર્ય હાથ ધરવામાં આવશે. સાથોસાથ આ પંચાયત ઘરમાં પાણી અને વીજળી બચાવવાના હેતુસર સોલાર રૂફટોપ અને વોટર હાર્વેસિ્ંટગ સિસ્ટમ પણ સામેલ કરવામાં આવશે.
આ 71 ગામમાં જામનગર તાલુકાના 20, ધ્રોલ તાલુકાના 4, જોડિયા તાલુકાના 6, કાલાવડ તાલુકાના 24, લાલપુર તાલુકાના 12 અને જામજોધપુર તાલુકાના 5 ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં આગામી એક વર્ષ દરમિયાનમાં નવા ગ્રામ પંચાયત ઘર કમ તલાટી આવાસ નિર્માણ પામશે તેમ જિલ્લા વિકાસ અધિકારી મિહિર પટેલએ જણાવ્યું હતું.
હવે તલાટીઓને પણ મળશે આવાસ
જામનગર જિલ્લાના 71 ગામોમાં તલાટીઓ માટે આવાસ બનાવવા નિર્ણય