કેન્દ્રિય મંત્રી મંડળે પ્રધાનમંત્રી ગતિશકિત માળખાના અમલીકરણ માટે રેલવેની જમીનને લાંબાગાળાના ભાડા પટ્ટા પર આપવા અંગેની નીતિને મંજૂરી આપી છે. આ નીતિથી રેલવેની આવકમાં વધારો થશે અને અંદાજે સવા લાખ નોકરીઓ અને રોજગારનું નિર્માણ થશે. આ નીતિ અંતર્ગત આગામી પાંચ વર્ષમાં 300 પીએમ ગતિશકિત કાર્ગો ટર્મિનલ વિકસાવવામાં આવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં ગઇકાલે યોજાયેલી કેન્દ્રિયમંત્રી મંડળની બેઠકમાં ગતિશકિત માળખાંના અમલીકરણ માટે રેલવેની જમીન નીતિમાં સુધારો કરવાની રેલવે મંત્રાલયની દરખાસ્તની મંજૂરી આપવામાં આવી હતી. રેલવેનું નેટવર્ક સમગ્ર દેશમાં ફેલાયેલું છે. તેમજ રેલવે પાસે વિશાળ જમીન આવેલી છે. જે પૈકી અન્ન ઉત્પાદક જમીનોને લાંબા ગાળાની લીઝ પર આપી ત્યાં માળખાગત સુવિધાઓ વિકસાવવા માટે રેલવે દ્વારા દરખાસ્ત કરવામાં આવી હતી. જે મંજૂર કરવામાં આવી છે.
હવે રેલવેની જમીન 35 વર્ષ સુધીના ભાડા પટ્ટા પર આપી શકાશે. હાલમાં આ સમયગાળો પાંચ વર્ષનો હતો. નવી નિતીને મંજૂરી આપવાથી રેલવેને વધારે કાર્ગો ખેંચી લાવવામાં મદદ મળશે. જેથી ઉદ્યોગને લોજિસ્ટીક ખર્ચમાં પણ ઘટાડો થશે અને રેલવેને વધુ આવક થશે. આ નીતિગત સુધારાથી સવા લાખ જેટલી નવી રોજગારીનું પણ સર્જન થશે. આ માટે કોઇ વધારાનો ખર્ચ કરવામાં આવશે નહીં.
કાર્ગો સંબંધી પ્રવૃત્તિઓ માટે રેલવે વર્ષે જમીનની બજાર કિંમતના 1.5 ટકાના દરે 35 વર્ષના ગાળા માટે જમીન લીઝ પર આપશે. લીઝ આપવામાં આવેલી જમીન પર આગામી પાંચ વર્ષમાં 300 કાર્ગો ટર્મિનલ્સ વિકસાવવામાં આવશે. રેલવેને જમીન પર સોલાર પ્લાન્ટ સ્થાપિત કરવા માટે પણ નજીવી કિંમતે જમીનનો ઉપયોગ કરવા દેવાની જોગવાઇ પણ કરવામાં આવી છે. અહીં સામાજિક માળખાગત સુવિધા જેમ કે, પીપીપી મોડેલ હસ્તગતની હોસ્પિટલો અને કેન્દ્રિય વિદ્યાલય સ્થાપવા માટે એક રૂપિયા પ્રતિ ચોરસ મીટર વર્ષની નજીવી ફી લેવામાં આવશે. નવી નીતિનો દસ્તાવેજ મંજૂરીના 90 દિવસમાં તૈયાર કરી લેવામાં આવશે અને ત્યારબાદ તેનો અમલ શરૂ કરી દેવામાં આવશે.