રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ લિમિટેડ રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડની સંપૂર્ણ માલિકીની પેટાકંપની અને એફએમસીજી શાખા છે. આરઆરવીએલ એ આજે જાહેરાત કરી હતી કે તે ગુજરાતમાં મુખ્યમથક ધરાવતી સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડમાં 50% ઇક્વિટી હિસ્સો હસ્તગત કરશે, આ કંપની ફ્લેગશિપ બ્રાન્ડ સોસિયો હેઠળ બેવરેજ બિઝનેસની માલિકી ધરાવે છે અને તેનું સંચાલન કરે છે. હાલના પ્રમોટરો, હજૂરી પરિવારની SHBPLમાં બાકીના હિસ્સાની માલિકી ચાલુ રહેશે. સોસીયો એ કાર્બોનેટેડ સોફ્ટ ડ્રિંક્સ અને જ્યુસમાં લગભગ 100 વર્ષનો વારસો ધરાવતી હેરિટેજ ભારતીય બ્રાન્ડ છે. અબ્બાસ અબ્દુલ રહીમ હજૂરી દ્વારા 1923માં સ્થપાયેલી કંપની સ્થાનિક સોફ્ટ ડ્રિંક્સ માર્કેટમાં અગ્રણી સ્પર્ધકોમાં સ્થાન ધરાવે છે. અબ્બાસ હજૂરી અને તેમના પુત્ર અલી અસગર હજૂરી દ્વારા સંચાલિત SHBPLના પોર્ટફોલિયોમાં સોસીયો, કાશ્મીરા, લેમી, જિનલિમ, રનર, ઓપનર, હજૂરી સોડા અને જ’યફી સહિત અનેક પીણાની બ્રાન્ડ્સ ધરાવે છે, કંપનીએ ફોર્મ્યૂલેશન ડેવલપ કરવાની તેની મજબૂત કુશળતાના આધારે 100થી વધુ ફ્લેવર્સ લોન્ચ કરી છે. સોસીયો બ્રાન્ડ ગુજરાતમાં મજબૂત વફાદાર ગ્રાહક સમૂહનો આધાર ધરાવે છે.
આ મૂડીરોકાણ અંગે બોલતાં રિલાયન્સ રિટેલ વેન્ચર્સ લિમિટેડના એક્ઝેક્યુટિવ ડિરેક્ટર ઈશા અંબાણીએ જણાવ્યું કે, આ રોકાણ અમને સ્થાનિક હેરિટેજ બ્રાન્ડ્સને સશક્ત બનાવવાના અમારા વિઝનને આગળ વધારવામાં અને તેમને નવી વૃદ્ધિની તકો સાથે આગળ આવવામાં મદદ કરે છે. અમે અમારા ક્ધઝ્યુમર બ્રાન્ડ પોર્ટફોલિયોમાં સદી જૂની સોસીયોની સ્વદેશી હેરિટેજ બેવરેજ બ્રાન્ડ્સની સામર્થ્યને આવકારીએ છીએ અને અમને વિશ્ર્વાસ છે કે અમારું જ્ઞાન, ગ્રાહકરૂચિ પ્રત્યેની આંતરદૃષ્ટિ અને છૂટક બજારમાંની વિતરણ ક્ષમતા સોસીયોના વિકાસની ગતિને વેગ આપવામાં મદદ કરશે.
આરસીપીએલનો ઉદ્દેશ્ય ભારતીય ગ્રાહકોને સ્વદેશી રીતે વિકસિત અને શ્રેષ્ઠ મૂલ્ય પ્રદાન કરતી કન્ઝ્યુમર બ્રાન્ડ્સ અને ઉત્પાદનો સાથે સશક્ત બનાવવાનો છે. કંપનીના બ્રાન્ડ પોર્ટફોલિયોમાં હાલમાં આઇકોનિક બેવરેજ બ્રાન્ડ ‘કેમ્પા’ અને આ મહિનાની શરૂઆતમાં લોન્ચ કરવામાં આવેલી પેકેજ્ડ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ બ્રાન્ડ ‘ઈન્ડિપેન્ડન્સ’નો સમાવેશ થાય છે. આ ઉપરાંત આરસીપીએલ તેના ઝડપથી વિસ્તરી રહેલા કન્ઝ્યુમર બ્રાન્ડ પોર્ટફોલિયો માટે એક અલગ અને સમર્પિત રિટેલ ડિસ્ટ્રિબ્યૂશન નેટવર્ક બનાવી રહી છે.
આરસીપીએલ સાથેના આ સંયુક્ત સાહસ વિશે બોલતાં સોસીયો હજૂરી બેવરેજીસ પ્રાઇવેટ લિમિટેડના ચેરમેન અબ્બાસ હજૂરીએ જણાવ્યું કે, અમને રિલાયન્સ કન્ઝ્યુમર પ્રોડક્ટ્સ સાથે આ ભાગીદારીમાં કરવામાં આનંદ થાય છે, કંપની એક મજબૂત અને ઈચ્છુક ભાગીદાર છે અને તે સોસીયોની પહોંચને ઝડપથી વધારવામાં મદદ કરી શકે છે. અમારી પારસ્પરિક શક્તિઓને સંયોજિત કરીને અમે સોસીયોના અનોખા ટેસ્ટિંગ બેવરેજ ઉત્પાદનોને ભારતના તમામ ગ્રાહકો સુધી પહોંચે તે માટે સુલભ બનાવીશું. બેવરેજીસમાં અમારી લગભગ 100 વર્ષની સફરમાં આ એક નિર્ણાયક ક્ષણ છે. રિલાયન્સે પહેલાથી જ આઇકોનિક બ્રાન્ડ કેમ્પાને હસ્તગત કરી એ પછી બેવરેજીસ સેગમેન્ટમાં તેના પોર્ટફોલિયોને આ સંયુક્ત સાહસ સાથે વધુ મજબૂત બનાવ્યો છે. ઉપરાંત પ્રોડક્ટ પોર્ટફોલિયો અને ગ્રાહકો માટે યુનિક વેલ્યૂ પ્રપોઝીશન તૈયાર કરવા માટે સોસીયોની ફોર્મ્યુલેશનમાં રહેલી કુશળતાનો લાભ લઈ શકાય છે.