ટ્રેનમાં લાંબી મુસાફરી શરૂ કરતા પહેલા મુસાફરોને અનેક પ્રકારની ચિંતાઓ હોય છે, તેમાં સૌથી મોટી ચિંતા ભોજનની છે. જો તમને ચિંતા હોય કે તમને ઘરેથી બનાવેલું ભોજન મળશે કે નહિ તો હવે ભારતીય રેલવેએ આ સમસ્યાનો ઉકેલ લાવી દીધો છે. હવે જનરલ કોચના પ્રવાસીઓને માત્ર 20 રૂપિયામાં ભોજન અને 3 રૂપિયામાં પાણીની સુવિધા આપશે.
મોટાભાગે રેલવેમાં સ્લિપર અને એસી કોચના પ્રવાસીઓ માટે ટ્રેનોમાં ભોજનની વ્યવસ્થા હોય છે. પરંતુ જનરલ કોચના પ્રવાસીઓને આ સુવિધાનો લાભ તો દૂર પણ તેઓ ભોજન કરવા સ્ટેશન પર ઉતરી પણ નથી શકતા. આથી આ સમસ્યાને દૂર કરવા રેલવેએ લાંબા અંતરની ટ્રેનો જ્યાં ઊભી રહે છે, તે મુખ્ય સ્ટેશનો પર રૂ. 20થી 50 સુધીમાં ભરપેટ ભોજન આપવાનું શરૂ કર્યું છે, જેને ’ઈકોનોમી મીલ’ નામ આપ્યું છે. ભારતીય રેલવેએ ઇન્ડિયન કેટરિંગ એન્ડ ટુરિઝમ કોર્પોરેશન સાથે મળીને આ સુવિધા શરુ કરી છે. જેમાં પુરી-સબ્જી, મસાલા ઢોસા, છોલે-ભટુરા, ખીચડી સહિત અનેક પ્રકારના વિકલ્પો મળશે. જેની કિંમત રૂ. 20 અને રૂ. 50 રાખવામાં આવી છે. દેશના 100 રેલવે સ્ટેશનો પર લગભગ 150 ઈકોનોમી મીલ કાઉન્ટર શરુ કરવામાં આવ્યા છે. ગયા વર્ષે આ સેવા લગભગ 51 સ્ટેશનમાં શરુ કરવામાં આવી હતી. જેનો હાલ વિસ્તાર કરવામાં આવ્યો છે. જેમાં નજીકમાં ભવિષ્યમાં વધારો કરવામાં આવશે. ઈસ્ટ સેન્ટ્રલ રેલ્વેના 20 મોટા સ્ટેશનો પર ઈકોનોમી મીલની સુવિધા આપવામાં આવી છે. આ સિવાય અન્ય મોટા સ્ટેશનો પર પણ જરૂરિયાત મુજબ આ સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે. રેલવે દ્વારા ખાદ્યપદાર્થોની કિંમતો નક્કી કરવામાં આવી છે. જેમાં 20 રૂપિયામાં પુરી, શાક અને અથાણું મળશે. જેમાં 7 પુરીઓ સાથે 150 ગ્રામ શાક આપવામાં આવશે. 50 રૂપિયામાં રાજમા-ભાત, ખીચડી-પોંગલ, છોલે-કુલચા, છોલે-ભટુરા અને મસાલા ઢોસામાંથી કોઈપણ એક વસ્તુ મેળવી શકો છો. આ ઉપરાંત 200 ળળ પેકેજ્ડ સીલબંધ પાણીનો ગ્લાસ માત્ર 3 રૂપિયામાં મળી રહેશે. સેન્ટ્રલ રેલવેની માહિતી મુજબ જ્યાં લાંબા અંતરની ટ્રેનો ઉભી રહેતી હોય એવા 15 મોટા રેલવે સ્ટેશનો પર આ ઈકોનોમી મિલ મળી રહેશે. હાલ આ સુવિધા મહારાષ્ટ્રના ઈગતપુરી, કર્જત, મનમાડ, ખંડવા, બડનેરા, શેગાંવ, પુણે, મિરાજ, દૌન્ડ, સાઈનગર શિરડી, નાગપુર, વર્ધા, સોલાપુર, વાડી અને કુર્દુવાડી સ્ટેશનો પર ઉપલબ્ધ છે.