વડાપ્રધાન નરેન્દ્ર મોદીની ગઈકાલે લોકસભા ચુંટણીના પ્રચાર માટે જામનગરની મુલાકાત હતાં આ પૂર્વે બુધવારે વડાપ્રધાનના રૂટ ઉપર યોજાયેલ રિહર્સલમાં સૂરતના એસઓજીના ડીસીપીની ગંભીર બેદરકારી જોવા મળતા રાજકોટ રેંજ આઈજી દ્વારા નોટિસ અપાઇ છે.
રીહર્સલ દરમિયાન રૂટ પર બંદોબસ્ત, પોઇન્ટ ઉપર બેરીકેટ સહિતની ક્ષતિઓ જણાતા ઉચ્ચ અધિકારીઓએ રિપોર્ટ કરતા રાજકોટ રેંજ આઈજી દ્વારા આ અંગે નોટિસ અપાઇ છે.
આ અંગેની વિગત મુજબ વડાપ્રધાન સહિતના વીવીઆઈપી બંદોબસ્ત માટે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની જરૂર પડતી હોય છે. જે માટે રાજ્યભરમાંથી અધિકારીઓ અને માણસોને બોલાવવામાં આવતા હોય છે. ગઈકાલે વડાપ્રધાન જામનગરની મુલાકાતે હતાં જામનગર ખાતે વડાપ્રધાનની સભાનું આયોજન કરાયું હતું. જેને લઇ 10 જેટલા આઈપીએસ સહિતના ઉચ્ચ અધિકારીઓ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. આ દરમિયાન વડાપ્રધાનના આગમનને લઇ બુધવારે વડાપ્રધાનના રૂટ ઉપર રિહર્સલ યોજાયું હતું. જેમાં એરપોર્ટ બંદોબસ્ત તથા એરફોર્સથી સંતોષી માતાજીના મંદિર સુધીના રોડ બંદોબસ્તના સુપરવીઝનની જવાબદારી સુરત એસઓજીના ડીસીપી રાજદિપસિંહ નકુમને સોંપાઈ હતી.
તા.1 ને બુધવારના રોજ યોજાયેલ રિહર્સલમાં સુપરવીઝનની જવાબદારી સંભાળનાર ડીસીપી એ યોગ્ય વ્યવસ્થા ગોઠવી ન હતી. પોઇન્ટ ઉપર યોગ્ય રીતે બેરીકેટીંગ પણ કરવામાં આવ્યું ન હતું. બેરીકેટીંગની અંદર અને બહાર નિયમ મુજબ પોલીસ કર્મચારીઓને રાખવામાં આવ્યાં ન હતાં. નજીકનો નેશનલ પાર્ક રૂટ પર આવતો હતો. આમ છતાં ત્યાં કોઇ શંકાસ્પદ માણસો કે વસ્તુઓ અંગે ચકાસણી કરવામાં આવી ન હતી. એરફોર્સ સ્ટેશન નજીક ટ્રાફિક કંટ્રોલ કરવા માટે બેરીકેટ પણ મૂકવામાં આવ્યા ન હતાં.
આથી આ તમામ બેદરકારીઓની અધિકારીઓએ ગંભીરતાથી નોંધ લીધી હતી. વીવીઆઈપી બંદોબસ્તની અગત્યની ફરજમાં બેદરકારી દાખવવા બદલ રિપોર્ટ કરવામાં આવ્યો છે અને રાજકોટ રેંજ આઈજી દ્વારા સુરત ડીસીપી રાજદિપસિંહ નકુમને નોટિસ આપી હતી રિપોર્ટને પગલે આકરા પગલાં લેવાય તેવી શકયતા જોવા મળી રહી છે.