લોકસભા અને રાજ્યસભા બંને ગૃહોમાં રાષ્ટ્રપતિના અભિભાષણના ધન્યવાદ પ્રસ્તાવ અંગે ચર્ચા આજે પણ જારી રહેશે. કેન્દ્રીય બજેટ 2023-24 અંગે સામાન્ય ચર્ચા પણ બંને ગૃહોમાં લિસ્ટેડ છે. આ દરમિયાન ભાજપના સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી વિરુદ્ધ વિશેષાધિકાર ભંગની નોટિસ પાઠવી હતી.
તેમણે લોકસભા અધ્યક્ષને પત્ર લખીને કહ્યું કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીએ 7 ફેબ્રુઆરીએ સંસદમાં કોઈપણ પ્રકારના પુરાવા વિના વડાપ્રધાન સામે ગંભીર આરોપો મૂક્યા હતા. નિશિકાંત દુબેએ તેમના પત્રમાં કહ્યું કે રાહુલ ગાંધીના આરોપો ખોટા અને ગેરમાર્ગે દોરે તેવા હતા. તેમણે રાહુલ ગાંધી સામે કાર્યવાહી કરવાનું પણ આહ્વાન કર્યું હતું.ભાજપ સાંસદે કહ્યું કે લોકસભામાં રાષ્ટ્રપતિના અભિભાષણના મોશન ઓફ થેન્ક્સ અંગેની ડિબેટમાં ભાગ લેતા સાંસદ રાહુલ ગાંધીએ વડાપ્રધાન વિરુદ્ધ અનેક અનવેરિફાઈડ, વાંધાજનક અને માનહાનિ કરે તેવા નિવેદન આપ્યા હતા. બીજી બાજુ ભાજપના વરિષ્ઠ નેતા રવિશંકર પ્રસાદે પણ એક પત્રકાર પરિષદમાં કહ્યું કે રાહુલ ગાંધીએ લોકસભામાં જે કંઈ કહ્યું તે શરમજનક હતું. તેમના તમામ આરોપો પાયાવિહોણા હતા.