‘લાગે વાગે લોહીની ધાર આપણાં ઉપર નામ નહીં…’ આ મુહાવરાનો અર્થ થાય છે, જવાબદારી ખંખેરી નાખવી… શેરીમાં રમતાં બાળકોના મોઢે તમે અવાર-નવાર આ ઉક્તિ સાંભળી હશે. જામનગર મહાપાલિકાના તંત્રએ 1404 આવાસ અંગે કંઇક આવી જ રીતે પોતાની જવાબદારી ખંખેરી નાંખી છે. ચોમાસું આવતાં જ દર વર્ષે મહાપાલિકા આ રીતે જવાબદારી ખંખેરે છેે.
ચોમાસાના આગમનની હવે ઘડીઓ ગણાય રહી છે ત્યારે, જામનગરમાં અંધાશ્રમ સામે આવેલાં જર્જરીત 1404 આવાસને જામ્યુકોના તંત્રએ દર વર્ષની માફક આ વર્ષે પણ રાબેતાં મુજબ આવાસમાં રહેતાં લોકોને નોટીસ પાઠવી ચોમાસા દરમ્યાન જો કોઇ પણ અકસ્માત સર્જાય તો તેની જવાબદારી રહેવાસીઓ પર નાંખી પોતાની જવાબદારીમાંથી હાથ ઉંચા કરી લીધાં છે. છેલ્લાં ઘણાં વર્ષો થી જામ્યુકો આ રીતે પોતાની જવાબદારી ખંખેરતી રહી છે. સારૂં છે કે, હજુ સુધી કોઇ ગંભીર અકસ્માત સર્જાયો નથી. પરંતું આવાસની જે હાલત છે, તે જોતાં ગમે ત્યારે અહીં ગંભીર અકસ્માત સર્જાય શકે છે. એટલું જ નહીં, જાનહાની પણ થઇ શકે છે. આવી દુર્ઘટના સમયે આ નોટીસને હથીયાર બનાવી જામ્યુકો પોતાની જવાબદારીમાંથી છટકવાનો પ્રયાસ કરી રહી છે. પરંતું કોઇ કડકાઇ પૂર્વકની કાર્યવાહી કરવા માટે તૈયાર નથી.
જામ્યુકોએ 1404 આવાસમાં ભયજનક સ્થિતિના ફલેટમાં રહેતાં લોકોને નોટીસ આપી ચોમાસા પહેલાં તેમના ખર્ચે આ આવાસોની મરામત કરાવી લેવા અન્યથા આવા ભયજનક આવાસો ખાલી કરી અન્યત્ર રહેવા જવા જણાવી દેવામાં આવ્યું છે. એટલું જ નહીં તમામ જવાબદારી આવાસના રહેવાસીઓ ઉપર નાંખી સ્પષ્ટ જણાવી દેવામાં આવ્યું છે કે, જો કોઇ અકસ્માત સર્જાશે તો જામનગર મહાપાલિકાની કોઇ જવાબદારી રહેશે નહીં.
અત્રે એ ઉલ્લેખનીય છે કે, છેલ્લાં ઘણાં વર્ષોેથી જામ્યુકોનું તંત્ર ઔપચારિકતા પુરી કરવા આ પ્રકારે નોટીસ આપી રહ્યું છે. જેની કોઇ અસર અહી રહેતાં લોકો પર થતી નથી. નથી તો મકાન રિપેર થતાં કે નથી ખાલી કરી અન્યત્ર રેવા જતાં. વાસ્તવમાં હાલની પરિસ્થિતિમાં આવાસમાં રહેતાં ગરીબ લોકો મરામત કરાવી શકે તેવી સ્થિતિમાં પણ નથી. ત્યારે અહીં રહેતાં આસામીઓ વારંવારની નોટીસ અને ચેતવણી છતાં પણ મરામત ન કરાવે અથવા તો વપરાશ બંધ ન કરે તો શું..? તે અંગેની કોઇ સ્પષ્ટતા મહાપાલિકાના તંત્ર દ્વારા નોટીસમાં કરવામાં આવી નથી અને આવતી પણ નથી. અહીં પ્રશ્ર્ન એ ઉપસ્થિત થાય છે કે, શું માત્ર નોટીસ આપીને જામ્યુકોનું તંત્ર પોતાની જવાબદારી ખંખેરી શકે…? જયારે જાનમાલનો પ્રશ્ર્ન હોય ત્યારે દબાણ પૂર્વકની કાર્યવાહી કરવાની જવાબદારી મહાપાલિકાની જ હોય છે.