કેન્દ્ર સરકાર દ્વારા કોરોના વેક્સિનનો બુસ્ટર (ત્રીજો ડોઝ) હવે મફત નહીં પણ પેઇડ આપવાની જાહેરાત કરી છે. પરંતુ જામનગર શહેરમાં આ પેઇડ ડોઝ માટેના પણ એકપણ સેન્ટર ઉપલબ્ધ નહીં હોવાની ચોકાવનારી વિગતો સામે આવી છે. હાલ સરકારી હોસ્પિટલ, આરોગ્ય કેન્દ્રમાં લોકોને ત્રીજો ડોઝ આપવામાં આવતો નથી. જ્યારે ખાનગી હોસ્પિટલો કે, ક્લિનિકમાં આ સુવિધા ઉપલબ્ધ નથી. પરિણામે જામનગર શહેરમાં એકપણ જગ્યાએ કોરોનાનો ત્રીજો ડોઝ લેવાની સુવિધા ઉપલબ્ધ નથી.
આ અંગે જામ્યુકોના એમઓએચ સુભાષ પ્રજાપતિનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું હતું કે, શહેરની એકપણ હોસ્પિટલ કે, ક્લિનિક આ માટે તૈયાર નથી. વેક્સિનશન સેન્ટર માટે જરુરી ઇન્ફ્રાસ્ટ્રકચર ઉભો કરવા માટે થતાં ખર્ચને ધ્યાનમાં રાખી કોઇ હોસ્પિટલ દ્વારા આ સુવિધા આપવામાં આવતી નથી. જ્યારે રાજ્ય કે, કેન્દ્ર સરકારની સૂચના ન હોવાના કારણે જામ્યુકોના આરોગ્ય કેન્દ્રો પરથી પેઇડ કે વિનામૂલ્યે ત્રીજો ડોઝ આપવામાં આવતો નથી. આમ, જામનગર શહેરમાં ત્રીજા ડોઝ માટેની કોઇ જગ્યાએ સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે નાગરિકો કોરોના વેક્સિનનો ત્રીજો ડોઝ લઇ શકતા નથી. એકતરફ કોરોનાની ચોથી લહેર દરવાજો ખટખટાવવા લાગી છે. ત્યારે કોરોના સામે રક્ષણ મેળવવા માટે ત્રીજો ડોઝ ખૂબ જ મહત્વનો બની રહે છે. જે વ્યક્તિએ વેક્સિનના બન્ને ડોઝ લઇ લીધા છે. તેમનામાં પણ હવે એન્ટીબોડીનું પ્રમાણ ઘટવા લાગ્યું છે. ખાસ કરીને કોમોર્બિડ અને મોટી ઉંમરના વ્યક્તિઓ માટે ત્રીજો ડોઝ ખૂબ જ મહત્વનો બની રહે છે. આવા સંજોગોમાં જામ્યુકોનું આરોગ્ય તંત્ર શું કાર્યવાહી કરે છે? તે અગત્યનું છે.