જામનગર જિલ્લામાં ભારે વરસાદ થવાના લીધે જિલ્લાના ડેમો ઓવરફલો થયા છે. આ સ્થળોએ મોટી સંખ્યામાં લોકો હરવા-ફરવા માટે આવતા હોય. ડેમ જળાશય કે નદીકાંઠે સેલ્ફી લેવા જતાં સમયે દુર્ઘટના થતી હોય છે. જેથી આ સ્થળોએ લોકોની સુરક્ષાને ધ્યાને લઇ અધિક જિલ્લા મેજી. દ્વારા જામનગર જિલ્લાના તમામ મહત્વના ડેમ-સિંચાઇ યોજનાઓ, જળાશયો નદીકાંઠા વિસ્તારમાં સેલ્ફી લેવા માટે પ્રતિબંધ ફરમાવતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. આ જાહેરનામાને ધ્યાને લઇ જામનગર મહાનગરપાલિકા હસ્તકના રણજીતસાગર ડેમ ખાતે પણ નો-સેલ્ફી ઝોનના બોર્ડ લગાવી દેવામાં આવ્યા છે. તેમજ રણજીતસાગર ડેમ યોજનાના સ્થળ ઉપર અધિકૃત પરવાનગી વિના જાહેર જનતા માટે પ્રવેશ નિષેધ, ડેમમાં માટી બંધ પરથી વાહનો કે ઢોર-ઢાખરની અવર-જવર ઉપર પ્રતિબંધ, જળાશયમાં ન્હાવા, ફોટો સેલ્ફી કે, જળાશયમાં અંદર દાખલ થવા ઉપર પ્રતિબંધ સહિતની જાહેર ચેતવણીના બોર્ડ પણ જામ્યુકો દ્વારા રણજીતસાગર ડેમ ખાતે લગાવી દેવામાં આવ્યા છે.