જામનગર શહેર અને જિલ્લામાં હવામાન વિભાગની આગાહી અનુસાર સર્વત્ર છૂટોછવાયો વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં થયેલા વરસાદથી આઠ જેટલા ડેમો ફરી ઓવરફલો થયા છે. જામનગરની જીવાદોરી સમાન રણજીતસાગર ડેમ પણ પ્રથમ વરસાદે ઓવરફલો થયો હતો. ત્યારે ફરી આજે થયેલા વરસાદથી ડેમ ઓવરફલો થયો છે. ડેમો ઓવરફલો થતાં ખેડૂતો તથા લોકોમાં ખુશીની લ્હેર છવાઇ છે. જામનગર શહેર-જિલ્લાના ડેમ વિસ્તારમાં અડધાથી અઢી ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.
રાજ્યના હવામાન વિભાગ દ્વારા તા. 7થી 10 દરમિયાન ભારે વરસાદની આગાહી કરી હતી. વરસાદની આગાહી સાચી પડતાં જામનગર શહેર-જિલ્લામાં વરસાદના વધુ એક રાઉન્ડના મંડાણ થઇ ચૂકયા છે. ગઇકાલે બપોરબાદથી આવેલા વાતાવરણમાં પલ્ટાને કારણે કાલાવડ, જામનગર સહિતના તાલુકાઓમાં વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને કાલાવડના ગ્રામ્ય પંથકમાં પણ ભારે વરસાદ જોવા મળી રહ્યો છે. જામનગર શહેરમાં પણ આજે સવારે 4 કલાકમાં 4 ઇંચ પાણી વરસતાં શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાઇ જવા પામ્યા હતાં. તો બીજીતરફ વરસાદને પરિણામે જિલ્લાના આઠ જેટલા ડેમો ફરી ઓવરફલો થયા હતાં. છેલ્લા 24 કલાક દરમિયાન વોડિંસગ ડેમ વિસ્તારમાં અઢી ઇંચ પાણી વરસ્યું છે. જ્યારે ઉંડ-3 ડેમ વિસ્તારમાં 45 મીમી, રૂપાવટી ડેમ વિસ્તારમાં 40 મીમી, સસોઇ-2 ડેમ વિસ્તારમાં 30 મીમી, ફૂલઝર-1 ડેમ વિસ્તારમાં 20 મીમી, રૂપારેલ તથા રંગમતિ ડેમ વિસ્તારમાં 15-15 મીમી તથા ઉમિયાસાગર ડેમ વિસ્તારમાં 10 મીમી વરસાદ નોંધાયો છે.
જામનગર શહેર-જિલ્લામાં થયેલા ભારે વરસાદને પરિણામે ફૂલઝર-1, સપડા, રણજીતસાગર, વોડિસંગ, રૂપારેલ, વાગડીયા સહિતના ડેમો 100 ટકા ભરાઇ ચૂકયા છે અને ફરી વખત ઓવરફલો થયા છે. જ્યારે કંકાવટી, ઉંડ-2 તથા ઉમિયાસાગર ડેમમાં પણ નવા નિરની આવકથી એક-એક દરવાજા ખોલવામાં આવ્યા છે. આ ઉપરાંત રંગમતિ ડેમ પણ ઓવરફલો થઇ રહ્યો છે. જામનગર શહેર-જિલ્લામાં થયેલ અચરાચર મેઘકૃપાના બીજા રાઉન્ડથી ડેમો ફરી ઓવરફલો થતાં નયનરમ્ય દ્રશ્ય જોવા મળી રહ્યાં છે.