જામનગર શહેરમાં રહેતા બે શખ્સો દ્વારા જુદી-જુદી બેંકોમાં બોગસ પેઢીના નામે સાત કરોડનો વ્યવહાર કરી સરકાર સાથે વિશ્વાસઘાત કરવાના બનાવમાં પોલીસે નાઈઝીરીયન સહિત ચાર શખ્સોની ધરપકડ કરી હતી તેમજ આ પ્રકરણમાં નાસતા-ફરતા ઉત્તરપ્રદેશના શખ્સને પોલીસે અમદાવાદમાંથી દબોચી લઇ જામનગર લઇ આવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
આ અંગેની વિગત મુજબ, ગત ડિસેમ્બર 2021 માં જામનગર શહેરમાં રહેતાં મોહિત ઉર્ફે વિવેક પરમાર અને જતિન પાલા નામના બે શખ્સોના રહેણાંક મકાન પરથી પીઆઈ કે.એલ. ગાધે તથા સ્ટાફે રેઈડ દરમિયાન એકસીસ બેંક, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક, યશ બેંકના જુદી-જુદી વ્યકિતઓના નામના 30 નંગ એટીએમ-ડેબિટ કાર્ડ અને 29 ચેકબુક તથા બે રબર સ્ટેમ્પ અને મોબાઇલ તેમજ 6 સીમકાર્ડ મળી આવ્યાં હતાં. જેના આધારે પોલીસે બે શખ્સો વિરૂધ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ પ્રકરણમાં તપાસ દરમિયાન બે મહિનામાં જુદી – જુદી બોગસ પેઢીના નામ સાત કરોડનું ટ્રાન્જેકશન કરવામાં આવ્યું હતું અને ટેકસના નાણાં બચાવવા આંગડિયા પેઢી દ્વારા આ રકમ નાઈઝીરીય નાગરિક મૂળ બી-63 અજા હાઉસીંગ લાઈન, લાગોસ્ટ સ્ટેટ નાઇઝીરિયાના રાફેલ અડેડયો ઈન્કા (ઉ.વ.38) (રહે. ફલેટ નં.1301, ગેલેકસી ઓરિયન સેકટર-35, ખારધર, નવી મુંબઇ) નામના શખ્સની સંડોવણી ખુલતા પોલીસે ચાર શખ્સોની ધરપકડ કરી હતી.
કરોડોના વ્યવહારો કરી બે હિસાબી નાણાં ટ્રાન્સફર કરી સરકાર સાથે વિશ્વાસઘાત અને છેતરપિંડી આચરવાના નાઈઝીરિયન ગેંગનો એક શખ્સ નાસતો-ફરતો હતો. આ શખ્સ અંગેની મળેલી બાતમીના આધારે જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુની સૂચનાથી ડીવાયએસપી જે.એસ. ચાવડાના માર્ગદર્શન હેઠળ પીઆઈ કે.એલ. ગાધે, પીએસઆઈ આર.ડી. ગોહિલ તથા હેકો સુખદેવસિંહ જાડેજા, અશોકભાઈ સિંહલાની ટીમ બનાવી અમદાવાદના તેના ઘરે આવેલા ઉત્તરપ્રદેશના મેનપુરી જીલ્લાના ભોગાવ તાલુકાના અર્જુનપુર ગામના વતની મલખાનસિંગ રાજબહાદુરસિંગ ચૌહાણ નામના શખ્સને દબોચી લીધો હતો અને અમદાવાદથી ધરપકડ કરી જામનગર લઇ આવ્યાં હતાં. પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી રિમાન્ડ મેળવવા અદાલતમાં રજૂ કરવા તજવીજ હાથ ધરી હતી.