નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી (NIA) એ અંડરવર્લ્ડ ડોન દાઉદ ઈબ્રાહિમની ડી-કંપની વિરુદ્ધ મોટી કાર્યવાહી કરી છે. NIAએ મુંબઈમાં 20 સ્થળો પર દરોડા પાડ્યા છે. આ 20 સ્થળો દાઉદના શાર્પ શૂટર્સ, સ્મગલર્સ, ડી-કંપનીના રિયલ એસ્ટેટ મેનેજર સાથે જોડાયેલા છે. મુંબઈના નાગપાડા, ગોરેગાંવ, બોરીવલી, સાંતાક્રુઝ, મુંબ્રા, ભીંડી બજારમાં દરોડા પાડવામાં આવ્યા છે. ઘણા હેન્ડઓવર ઓપરેટર્સ, ડ્રગ સ્મગલર્સ અને આવા ઘણા લોકો છે જેઓ દાઉદ સાથે સંકળાયેલા હતા. ફેબ્રુઆરી નોંધાયેલા કેસના આધારે NIA એ દરોડા પાડ્યા છે.
ડી કંપની સંયુક્ત રાષ્ટ્ર યુએન દ્વારા પ્રતિબંધ લગાવવામાં આવેલ આતંકી સંગઠન છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ગૃહ મંત્રાલયના આદેશ પર NIAએ દાઉદ અને ડી કંપની વિરુદ્ધ કેસ નોંધ્યો હતો, જેના માટે તપાસ અને દરોડા પાડવામાં આવી રહ્યા છે. દાઉદે છોટા શકીલ, જાવેદ ચિકના, ઈકબાલ મિર્ચી અને અન્ય લોકો સાથે મળીને ભારતમાં ઘણી જગ્યાએ પોતાનું નેટવર્ક બનાવ્યું હતું. આ લોકો પ્રભાવશાળી, ઉદ્યોગપતિને નિશાન બનાવતા હતા. NIA અધિકારીઓએ જણાવ્યું હતું કે ભારતભરમાં અનેક રાષ્ટ્રવિરોધી પ્રવૃત્તિઓમાં દાઉદની સંડોવણી વિશે અગાઉ તેઓને જાણકારી મળી હતી.
દાઉદ ઈબ્રાહીમથી જોડાયેલા કેસમાં ગૃહ મંત્રાલય દ્વારા ફેબ્રુઆરી 2022માં NIAને તપાસ સોંપવામાં આવી હતી. તે તપાસ સંદર્ભે NIA દ્વરા આજે દરોડા પાડવામાં આવ્યા છે. અંતે ઉલ્લેખનીય છે કે દાઉદ ઈબ્રાહીમ હાલમાં પાકિસ્તાનમાં છુપાયેલો છે.