જામનગર શહેરમાં અનેક ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવાય છે. ત્યારબાદ મહાપાલિકાના તંત્રની ધ્યાને આવતા આ બાંધકામો દૂર કરવા માટે નોટિસ પાઠવવામાં આવે છે. હાલમાં જ બર્ધન ચોક વિસ્તારમાં ગેરકાયદેસર કરાયેલા બાંધકામ મહાપાલિકાની એસ્ટેટ શાખા દ્વારા બાંધકામધારકને ત્રણ દિવસની મર્યાદામાં બાંધકામ દુર કરવાની નોટીસ આપી છે.
ગુજરાત રાજ્યમાં ઠેક-ઠેકાણે ગેરકાયદેસર બાંધકામો ખડકી દેવામાં આવે છે. તેમાં પણ ખાસ કરીને સરકારી જમીનો ઉપર આવા બાંધકામો વધુ જોવા મળે છે. સરકાર દ્વારા આવા બાંધકામો હટાવવાની કામગીરીમાં ઘોર બેદરકારી દાખવવામાં આવે છે તેની પાછળ અનેક કારણો જવાબદાર છે. રાજ્યના દરેક શહેરોમાં ગેરકાયદેસર બાંધકામ મોટી સંખ્યામાં જોવા મળે છે. ત્યારે જામનગર શહેર અને નગરસીમ વિસ્તારોમાં સરકારી જમીનો ઉપર ગેરકાયદેસર બાંધકામોનો ખડકલો થઈ જાય છે અને આશ્ર્ચર્યની બાબત એ છે કે આ બાંધકામો પૂર્ણ થઈ જાય અને લાંબો સમય થયા બાદ જ વહીવટી તંત્રને ધ્યાને આવે છે…! ત્યારે વિચારવાની બાબત એ છે કે બાંધકામો પૂર્ણ થઈ જાય ત્યાં સુધી સરકારી અધિકારીઓને દેખાતું નથી ? કે પછી જાણી જોઈને બેધ્યાન થઈ જતાં હોય છે ? જામનગર શહેરમાં વિકટોરિયા પુલ નજીક પણ બહુ ઝડપથી ગેરકાયદેસર બાંધકામો થઈ રહ્યા હોવાનું જાણવા મળે છે.
જ્યારે હાલમાં જ જામનગર શહેરના બર્ધનચોક વિસ્તારમાં બની રહેલા ગેરકાયદેસર બાંધકામ સ્થળે મહાનગરપાલિકાની એસ્ટેટ શાખાની ટીમ પહોંચી હતી અને ટીમને બાંધકામ ધારકે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડવા માટે ત્રણ દિવસની મુદ્ત માગતા એસ્ટેટ શાખાની ટીમે ત્રણ દિવસની મુદ્ત આપી હતી. જો કે, ગેરકાયદેસર બાંધકામ થઈ જાય પછી જ મહાનગરપાલિકાની ટીમને આ બાબતો ધ્યાને આવે છે. તેમજ શહેરના અનેક સ્થળોએ ખડકાયેલા અસંખ્ય ગેરકાયદેસર બાંધકામો તોડી પાડવાની તંત્રએ હજુ સુધી હિંમત દાખવી નથી.