જામનગર મહાનગરપાલિકા ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશનની નવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે. આગામી 1 નવેમ્બરથી આ સિસ્ટમ લાગુ કરતા પહેલા શહેરના તમામ વિસ્તારોને મિલકતોનો સર્વે કરવામાં આવશે તેમજ વાહનોનું તથા કામગીરીનું મોનીટરીંગ કરવા માટે કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે.
આસી. કમિશનર વહીવટ દ્વારા જણાવાયા અનુસાર, હાલમાં શહેરમાં જૂની ડોર ટુ ડોર ગાર્બેજ પદ્ધતિ મુજબ રહેણાંક અને કોમર્શિયલ વિસ્તારોમાંથી કચરાનું કલેકશન કરવામાં આવી રહ્યું છે. તેની જગ્યાએ મહાપાલિકા આગામી 1 નવેમ્બર 2025 થી નવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન પદ્ધતિ મુજબ શહેરના તમામ વિસ્તારો તેમજ મિલ્કતોમાંથી કચરો એકત્રિત કરશે. આ કામગીરીનો પ્રારંભ કરતા પહેલાં એજન્સીની ટુકડીઓ મારફત શહેરના તમામ વોર્ડમાં સર્વેની કામગીરી કરવામાં આવશે જેથી નવી સિસ્ટમને અસરકારક રીતે લાગુ કરી શકાઇ. નવી સિસ્ટમ અંતર્ગત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કરતા વાહનો તથા કામગીરીનું રીયલ ટાઈમ મોનિટરીંગ કરવા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટર પણ ઉભુ કરવામાં આવશે. એજન્સીની ટુકડીઓ દ્વારા શહેરના તમામ ઘર, ઓફિસ, દુકાન, રેસ્ટોરન્ટ, હોટલ, લારી-ગલ્લા, કોમ્યુનિટી હોલ, જ્ઞાતિની વાડી, પાર્ટી પ્લોટ, ધાર્મિક સ્થળો વગેરેનો સર્વે કરવામાં આવશે. એજન્સીનો સ્ટાફ સ્થળ પર પહોંચીને જે-તે વિસ્તારના ફોટોગ્રાફસ લેશે તેમજ મિલકત સંબંધી પ્રશ્ર્નોતરી કરીને મિલકતોની ગણતરી કરશે. જામનગર મહાનગરપાલિકા દ્વારા અમલમાં આવનારી આ નવી ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન કામગીરીના સર્વે માટે આવનારા એજન્સીના સ્ટાફને સહયોગ આપવા માટે શહેરીજનોને અપીલ કરવામાં આવી છે.


