- Advertisement -
ખંભાળિયા શહેર તથા આસપાસના વિસ્તારોમાં ગઈકાલે સોમવારથી આદ્યશક્તિની આરાધનાના પર્વ નવરાત્રીનો મંગલ પ્રારંભ થયો છે. ખંભાળિયા શહેર ઉપરાંત નજીકના ગ્રામ્ય વિસ્તારોમાં આ વર્ષે આશરે બે ડઝનથી વધુ ગરબીઓનું આયોજન થયું છે.
ખંભાળિયા શહેરમાં દાયકા અગાઉ નાની-મોટી 40 થી 50 જેટલી ગરબીઓ થતી હતી. પરંતુ છેલ્લા કેટલાક સમયથી આ ટ્રેન્ડમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. આટલું જ નહીં, પ્રાચીન ગરબીના બદલે અર્વાચીન રાસ-ગરબાનું પણ મહત્વ તથા આકર્ષણ વધ્યું છે.
આ વર્ષે ખંભાળિયા પંથકમાં 29 ગરબીઓ નોંધાયેલી છે. જેમાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે રુદ્ર ગ્રુપ દ્વારા યોજવામાં આવેલા રસોત્સવ, નગરપાલિકા દ્વારા રાજ્ય પુરોહિત બોર્ડિંગ ખાતે નવરાત્રી મહોત્સવ, અત્રે બેઠક રોડ ઉપર આવેલી નવી લોહાણા મહાજન વાડી ખાતે રઘુવંશી જ્ઞાતિની બાળાઓ માટેની પ્રાચીન ગરબી, સતવારા સમાજની નવી વાડી ખાતેની ગરબી, સોનલ માતાજીના મંદિર પાસે, આનંદ કોલોનીમાં નવદુર્ગા ગરબી, તિરૂપતિ સોસાયટી, પોલીસ લાઈન વિસ્તાર, ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિની ગરબી, ભગવતી ગ્રુપની ગરબી, નવાપરા ગરબી મંડળ, રામ મંદિર પાસે સતવારા ગરબી મંડળ, ગુર્જર સુથાર જ્ઞાતિની વાડી, લુહાર શાળમાં મચ્છુ ગરબી મંડળ, જલારામ મંદિર પાસે આશાપુરા ગરબી, ચમાર વાસમાં નવદુર્ગા ગરબી, રાજપૂત સમાજની વાડી, કલ્યાણબાગ સોસાયટી, વિગેરે સ્થળોએ પ્રાચીન તથા અર્વાચીન ગરબીમાં બાળાઓ માતાજીની આરાધના કરે છે.
આ સમગ્ર આયોજન માટે અહીંના પી.આઈ. પી.એમ. જુડાલ તથા સ્ટાફ દ્વારા ખાસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. જેમાં રાત્રે નીકળતા લોકો તેમજ મહિલાઓની સુરક્ષા માટે પણ ખાસ વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે.
ખંભાળિયા નગરપાલિકા દ્વારા પ્રથમ વખત અહીંના રાજ્ય પુરોહિત બોર્ડિંગ ખાતેની વિશાળ જગ્યામાં રાસ ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ગઈકાલે પ્રથમ નોરતે સંતો-મહંતોના હસ્તે આ ગરબીનો પ્રારંભ કરવામાં આવ્યો છે. આ સમગ્ર આયોજન માટે નગરપાલિકાના હોદ્દેદારો, સદસ્યો તથા કર્મચારીઓ મોટી સંખ્યામાં જોડાયા હતા અને જહેમત ઉઠાવી હતી.
- Advertisement -