રાજ્યસભામાં આજે એટલે કે 21 સપ્ટેમ્બરે મહિલા અનામત બિલ પર ચર્ચા થશે. આ બિલ 20 સપ્ટેમ્બરે લોકસભામાં પસાર થયું હતું. બિલની તરફેણમાં 454 વોટ પડ્યા જ્યારે તેની વિરુદ્ધમાં 2 વોટ પડ્યા હતા. અઈંખઈંખ પાર્ટીના બે સાંસદો અસદુદ્દીન ઓવૈસી અને ઈમ્તિયાઝ જલીલે વિરોધમાં પોતાનો મત આપ્યો. સ્લીપ દ્વારા મતદાન થયું હતું. આ બિલ લોકસભામાં બે તૃતિયાંશ બહુમતી સાથે પાસ થયું હતું.
પીએમ મોદીએ બુધવારે મોડી રાત્રે પોસ્ટ કરતા બધાનો આભાર માન્યો. પીએમએ લખ્યું – લોકસભામાં પાસ થયેલા બંધારણ (128મું સંશોધન) બિલ, 2023 પાસ થતા આનંદ થયો. આ બિલના સમર્થનમાં મતદાન કરનારા તમામ પક્ષોના સાંસદોનો હું આભાર માનું છું. પીએમએ આગળ લખ્યું, નારી શક્તિ વંદન કાયદો એક ઐતિહાસિક કાયદો છે જે મહિલા સશક્તિકરણને વધુ પ્રોત્સાહન આપશે અને આપણા રાજકારણમાં મહિલાઓની ભાગીદારી વધારશે.
બિલ પર ચર્ચામાં 60 સાંસદોએ પોતાના વિચારો વ્યક્ત કર્યા. રાહુલ ગાંધીએ કહ્યું કે ઓબીસી અનામત વિના આ બિલ અધૂરું છે. તેના પર અમિત શાહે કહ્યું કે આ અનામત સામાન્ય,એસસી અને એસટીને સમાન રીતે લાગુ પડશે. ચૂંટણી પછી તરત જ વસ્તી ગણતરી અને સીમાંકન થશે અને ટૂંક સમયમાં જ ગૃહમાં મહિલાઓની ભાગીદારી વધશે. વિરોધ કરીને અનામત ઝડપથી નહીં આવે.
આ બિલ દ્વારા માતૃશક્તિ માટે એક તૃતીયાંશ બેઠકો અનામત રાખવામાં આવશે. આ દેશની દીકરીને માત્ર પોલિસીમાં તેનો હિસ્સો નહીં મળે, પરંતુ પોલિસી મેકિંગમાં તેનું સ્થાન પણ સુરક્ષિત રહેશે. આ બિલ કેટલાક પક્ષો માટે રાજકીય એજન્ડા હોઈ શકે છે, પરંતુ તે અમારી પાર્ટી અને અમારા પીએમ મોદી માટે રાજકીય મુદ્દો નથી. પીએમ મોદી માટે માન્યતાનો સવાલ છે. આ બિલ પહેલાં પણ 4 વખત રજૂ કરવામાં આવ્યું હતું, પરંતુ પછી શું થયું કે તે પસાર થઈ શક્યું નહીં. દેવેગૌડાથી લઈને મનમોહન સિંહ સુધી બધાએ પ્રયાસ કર્યો, પરંતુ તે પાસ ન થયું. આખરે શું કારણ હતું કે તેને પાસ થવા દેવામાં ન આવ્યું? રાહુલ પર નિશાન સાધતા શાહે કહ્યું કે તેઓ સમજે છે કે દેશ સચિવો ચલાવે છે, પરંતુ મારી સમજણ એ છે કે દેશ સરકાર ચલાવે છે. બંધારણ કહે છે કે દેશની નીતિઓ આ દેશની કેબિનેટ દ્વારા નક્કી કરવામાં આવે છે. જો તમારે આંકડા જોઈએ છે, તો હું તમને કહીશ. ભાજપ સરકારમાં 29 ટકા એટલે કે 85 સાંસદો ઓબીસી કેટેગરીના છે. 29 મંત્રીઓ પણ ઓબીસી કેટેગરીના છે. ભાજપના ઓબીસી ધારાસભ્યો 1358માંથી 365 એટલે કે 27 ટકા છે. ઓબીસીના ગુણગાન ગાનારાઓ કરતાં આ વધારે છે. ભાજપના ઓબીસી એમએલસી 163માંથી 65 છે. એટલે કે તે 40 ટકા છે, જ્યારે વિપક્ષના લોકો 33 ટકાની વાત કરે છે.