Sunday, December 22, 2024
Homeરાજ્યજામનગરઅનૈતિક સંબંધની લાલચ આપી વૃધ્ધની હત્યા, ભેદ ઉકેલાયો

અનૈતિક સંબંધની લાલચ આપી વૃધ્ધની હત્યા, ભેદ ઉકેલાયો

પતિએ વૃધ્ધ ઉપર પથ્થરના ઘા ઝીંકી હત્યા નિપજાવી : લાશને સળગાવી મૃતકના મોબાઇલ અને રોકડ લઇ નાશી ગયા : ગણતરીના કલાકોમાં દંપતીની ધરપકડ : દ્વારકા પોલીસની સરાહનીય કામગીરી

- Advertisement -

દેવભૂમિ દ્વારકા નજીકથી બે દિવસ પહેલાં એક સળગાવી નાખેલો મૃતદેહ મળી આવ્યાની ઘટનામાં એલસીબીની ટીમે મૃતકની ઓળખ મેળવી સરાહનીય કામગીરી અંતર્ગત ગણતરીના કલાકોમાં હત્યાનો ભેદ ઉકેલી દંપતીને દબોચી લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

- Advertisement -

હત્યાના બનાવની વિગત મુજબ, કચ્છના અંજાર તાલુકાના વીરાગામના મેમાભાઈ પચાણભાઈ ચાવડા (ઉ.વ.70) નામના વૃદ્ધનો દેવભૂમિ દ્વારકા નજીકના માર્ગ પરથી શુક્રવારે સાંજના સમયે અર્ધ બળેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવની જાણ થતા જિલ્લા પોલીસવડા નિતેશ પાંડેયની સુચનાથી ડીવાયએસપી હરીેન્દ્ર ચૌધરી તથા એલસીબી પીઆઈ જે.એમ. ચાવડા અને પી.એ. પરમાર તથા સ્ટાફે હત્યાના બનાવમાં મૃતદેહનો કબ્જો સંભાળી કચ્છના વૃધ્ધની ઓળખ થયા બાદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. હત્યા સ્થળની આજુબાજુના સીસીટીવી ફુટેજો તપાસતા અને ટેકનિકલ સોર્સ અને હ્યુમન ઈન્ટેલીજન્સની કામગીરીમાં એક મહિલા અને પુરૂષ ર્કીતીસ્તંભથી હાથી ગેઇટ તરફ અલખ હોટલથી પસાર થતા હોવાનું જણાયું હતું અને મૃતક વૃધ્ધનો મોબાઇલ પણ ગુમ થયો હતો. તેમજ મહિલા અને પુરૂષનું લોકેશન ભથાણ ચોકથી ઈસ્કોઈન ગેઈટ તરફનું આવતા પોલીસે જૂના બરફના કારખાના પાસેથી આ બન્નેની અટકાય કરી હતી.

પોલીસ દ્વારા દિપક ઈશ્ર્વર વકતાભાઈ છત્રાલિયા (પરમાર), લીલાબેન દિપક છત્રાલિયા (પરમાર) નામના દંપતીની આકરી પૂછપરછ કરતા બન્નેએ વૃધ્ધની હત્યા નિપજાવ્યાની કેફિયત આપી હતી. જેમા લીલાબેને વૃધ્ધને અનૈતિક સંબંધ બાંધવાની લાલચ આપી અલખ હોટલથી આગળ બાવળની વાડીઓમાં લઇ ગઇ હતી અને ત્યાં લીલાબેનના પતિ મેમા એ વૃધ્ધના માથાના ભાગે કપાળમાં તથા નાક પર પથ્થરના આડેધડ ઘા ઝીંકી હત્યા નિપજાવી હતી. હત્યા નિપજાવ્યા બાદ પૂરાવાનો નાશ કરવા માટે લાશને સળગાવી નાખી હતી. પરંતુ લાશ અર્ધ બળેલ હાલતમાં જ રહી હતી. ત્યારબાદ દંપતી મૃતકનો મોબાઇલ અને રોકડ રૂપિયાનો થેલો લઇ નાશી ગયા હતાં. ત્યારે એલસીબીની ટીમે બરફના કારખાના પાસેથી જ દંપતીને દબોચી લીધું હતું. પોલીસે બન્નેની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી હતી.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular