જામનગર શહેરની દિકરીઓ સયંમના માર્ગે જઇ રહી છે. જેમાં સંઘવી પરિવારની મુમુક્ષ જિનલ અને મુમુક્ષ ધારા હાલાર તિર્થ-આરાધનાધામ ખાતે ત્રણ દિવસનો દિક્ષા મહોત્સવ દરમિયાન દિક્ષા ગ્રહણ કરશે. જેમાં આવતીકાલ રવિવારે મુમુક્ષ જિનલનો વરસીદાનનો વરઘોડો સવારે 9 કલાકે ચાંદીબજાર શેઠજી દેરાસરથી શહેરના રાજમાર્ગો પર ભ્રમણ કરશે.
જામનગર શહેરની બે જૈન દિકરીઓ સંયમના માર્ગે જઇ રહી છે. જેમાં જામનગર શહેરના ઝવેરી ઝાપા વિસ્તારમાં રહેતા ભોગીલાલ ઝવેરચંદ સંઘવીના પાંચ દિકરા અને પાંચ દિકરીના પરિવારમાં પુત્ર કિરીટભાઇ અને પુત્રવધુ દક્ષાબેનની દિકરી જિનલ તથા જામનગરના હેમંતભાઇ રણછોડદાસ નિર્મળ અને હેમલતાબેનના બે પુત્ર અને એક જ પુત્રીનો પરિવાર. પુત્રવધુ શર્મિષ્ઠાબેન તથા પુત્ર દિલીપભાઇની ત્રણ પુત્રીઓમાંની સૌથી નાની ધારા તા. 7-12-23ને ગુરુવારના દિવસે હાલાર તિર્થ-આરાધનાધામ ખાતે ભગવાન મહાવીર સ્વામીના દિક્ષા કલ્યાણક દિવસે જ દિક્ષા ગ્રહણ કરશે.
જેમાં મુમુક્ષ જિનલનો વરસીદાનનો વરઘોડો આવતીકાલ તા. 19-11ને રવિવારના રોજ સવારે 9 કલાકે શેઠજી દેરાસરથી પ્રસ્થાન કરી માંડવી ટાવર, સેન્ટ્રલ બેંક, સેતાવડ, હવાઇ ચોક, પંચેશ્ર્વર ટાવર, બેડી ગેઇટ, ખાદી ભંડાર, સજુબા ગર્લ્સ સ્કૂલ રોડ, ગાંધીના બાવલા થઇ પરત શેઠજી દેરાસરે પૂર્ણ થશે. બપોરે 3 કલાકે પ.પૂ.સા. કલ્પસરત્નાશ્રીજી મ.સા. તથા સર્વે માસીઓ તરફથી સાંજી યોજાશે.
તા. 20-11ને સોમવારે સવારે 9 કલાકે મોટા ઉપાશ્રયમાં મુમુક્ષ જિનલના કપડામાં કેસરીયા સાથે કાકાની દિકરીઓ તરફથી સાંજી યોજાશે. બપોરે 3 કલાકે પારેખ છગનલાલ કરશનજી તરફથી શ્રી ગૌતમસ્વામી પૂજન કરવામાં આવશે.