મુકેશ અંબાણીના ઘર એન્ટિલિયાની બહારથી જિલેટીનથી ભરેલી સ્કોર્પિયો કબજે કરવાના મામલે CIUના પૂર્વ ચીફ સચિન વઝેની ધરપકડ બાદ દરરોજ નવા ખુલાસા કરવામાં આવી રહ્યા છે. 25 ફેબ્રુઆરીએ સચિન વઝેને આ મામલાની તપાસ સોંપવામાં આવી હતી. એવી માહિતી પણ મળી રહી છે કે સચિન વઝેની ટીમે થાણેના સાકેત કોમ્પ્લેક્સમાં લગાવેલા CCTV કેમેરાનું DVR જપ્ત કરી લીધું હતું. NIAની ટીમે તે DVRને ફરીથી મેળવી લીધું છે.
હવે સવાલો ઉભા થઈ રહ્યા છે કે આખરે ક્રાઇમ ઈન્વેસ્ટિગેશન યુનિટના લોકોએ વઝેની સોસાયટીમાંથી ડિજિટલ વીડિયો રેકોર્ડર હટાવ્યું કેમ હતું. આ દરમિયાન NIAને આ માહિતી મળી છે કે સ્કોર્પિયોની પણ ચોરી થઈ ન હતી.
સોસાયટીના એક અધિકારીએ નામ ન આપવાની શરતે જણાવ્યું કે, ’CIUની ટીમના ચાર લોકો 27 ફેબ્રુઆરીએ સોસાયટીના ક્લબ હાઉસમાં આવ્યા હતા અને DVR જપ્ત કરવાની વાત કરી હતી. આ બાબતે સોસાયટીના સભ્યોએ જણાવ્યું હતું કે તેઓ કોઈપણ લેખિત આદેશ વિના DVR આપી શકતા નથી.
આ પછી એક પોલીસકર્મીએ તેમને લેખિતમાં આપ્યું હતું. જેના પર લખ્યું હતું કે, ’CRPC ની કલમ 41 મુજબ, અમે સાકેત સોસાયટીને નોટિસ આપી રહ્યા છીએ કે મુંબઈ ક્રાઇમ બ્રાંચ, CIU, DCB, CID મુંબઇને કલમ 286, 465, 473, IPC 120 (ઇ), ઇન્ડિયન એક્સપ્લોસિવ એક્ટમાં નોંધાયેલ FIR નંબર 40/21 ની તપાસ માટે સાકેત સોસાયટીના બંને ડિજિટલ વીડિયોના રેકોર્ડરની જરૂર છે. નોટિસમાં પણ તપાસમાં સહયોગ આપવા આદેશ અપાયો હતો.’
NIAએ વઝેના નેતૃત્વ હેઠળ કામ કરનારા બે અધિકારીઓ CIUના ના API રિયાઝુદ્દીન કાઝી અને એક PSI ઉપરાંત બે ડ્રાઈવરની સોમવારે સાડા 9 કલાક સુધી પૂછપરછ કરી છે. આ પૂછપરછ આજે પણ ચાલુ રહેવાની છે અને આ કેસમાં NIA કેટલાક અન્ય લોકોની પણ ધરપકડ કરી શકે છે.
આ દરમિયાન NIAના સૂત્રોના આધારે મોટી માહિતી બહાર આવી રહી છે. CCTV ફૂટેજની તપાસમાં બહાર આવ્યું છે કે મનસુખની સ્કોર્પિયો ક્યારેય ચોરી થઈ ન હતી. પરંતુ, આ સ્કોર્પિયો 18 થી 24 ફેબ્રુઆરીની વચ્ચે સચિન વઝેની સોસાયટીમાં ઘણીવખત જોવા મળી હતી. હિરેને પોતાના નિવેદનમાં જણાવ્યું છે કે તેનો સ્કોર્પિયો 17 ફેબ્રુઆરીના રોજ મુલુંડ-એરોલી રોડ પરથી ગુમ થઈ હતી. ફોરેન્સિક રિપોર્ટ પણ તે સાબિત કરે છે કે કારમાં કોઈ ફોર્સ એન્ટ્રી થઈ ન હતી. તેને ચાવીથી પણ ખોલવામાં આવી હતી.
સૂત્રોના જણાવ્યા અનુસાર મંગળવારે તપાસ અધિકારીઓએ વાઝેનો મોબાઇલ અને આઇપેડ કબજે કરી લીધા હતા. ઉપરાંત એનઆઇને દ્વારા મંગળવારે સીએસટી ખાતે પાર્ક કરાયેલી વાઝેની એક મર્સિડીઝ કાર મળી આવી છે. એન્ટીલિયા પ્રકરણના તપાસનીસ અધિકારીઓના જણાવ્યા અનુસાર આ કેસમાં ઘણા અધિકારીઓ હજી રડાર પર છે.