જામનગરમાં આવેલ આર.વાય. એન્ટરપ્રાઇઝ ભાગીદારી પેઢી છે. જે ખૂબ જ પ્રતિષ્ઠા ધરાવે છે અને તેના ભાગીદાર યોગેશકુમાર મુકેશભાઇ વસવેલીયા છે. તેની પાસેથી મુંબઇના માયાવતી એન્ટરપ્રાઇઝના માલિક સંજય પાંડુરંગ યાદવ દ્વારા બ્રાસપાર્ટ આઇટમની ખરીદી કરવામાં આવેલી હતી. જે બ્રાસપાર્ટ આઇટમના બિલ તથા લેજર મુજબની રકમ રૂા. 6,57,959 થતી હતી જે રકમની આર.વાય. એન્ટરપ્રાઇઝના ભાગીદાર યોગેશ વસવેલીયા દ્વારા માગણી કરવામાં આવતા માયાવતી એન્ટરપ્રાઇઝના માલિક સંજય યાદવ દ્વારા રકમની પરત ચૂકવણી માટે રૂા. 6,57,959ના ચેકો આપેલ હતા. જે ચેકો યોગેશભાઇ દ્વારા પોતાની પેઢીના ખાતામાં જમા કરાવતા ચેકો વગર વસુલાતે રિટર્ન થયો હતો. જેથી યોગેશભાઇને તેમની કાયદેસરની રકમ મળેલ ન હતી. જેથી યોગેશભાઇએ તેમના વકીલ મારફત માયાવતી એન્ટરપ્રાઇઝના માલિક સંજય યાદવને કાનૂની નોટીસ મોકલી હતી.
નોટીસ મોકલવા છતાં માયાવતીના માલિક સંજય યાદવ દ્વારા રકમ ચૂકવવામાં ન આવતાં આર.વાય. એન્ટરપ્રાઇઝના ભાગીદાર યોગેશભાઇ દ્વારા તેમના વકીલ મારફત જામનગરની અદાલતમાં ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ-138 અન્વયે ચેક રિટર્નની ફરિયાદ દાખલ કરવામાં આવી હતી. કાયદેસરના લેણા સંબંધેના જરુરી બિલો તથા બુકસ ઓફ એકાઉન્ટ વિગેરે પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતાં. ચેક રિટર્નની ફરિયાદ અદાલતમાં ચાલી જતાં ફરિયાદી યોગેશભાઇના વકીલ દ્વારા પુરાવાઓ તેમજ હાઇકોર્ટ તથા સુપ્રિમ કોર્ટના જજમેન્ટ રજૂ કરી ધારદાર દલિલો કરવામાં આવી હતી. જે દલીલો તથા કાયદેસરના બિલો બુકસ ઓફ એકાઉન્ટના આધારે કેસની ગંભીરતા જોઇ અને આરોપી માયાવતી એન્ટરપ્રાઇઝના માલિક સંજય યાદવને ધી નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટની કલમ 138ના ગુના સબબ દોષિત ઠરાવી અને બે વર્ષની સાદી કેદની સજાનો હુકમ કરવામાં આવેલ હતો તથા આરોપીને રૂા. 5,27,959નો દંડનો હુકમ કરવામાં આવ્યો છે. આરોપી દંડ ન ભરે તો વધુ ચાર માસની સાદી કેદનો હુકમ કરવામાં આવ્યો છે. ફરિયાદી આર.વાય. એન્ટરપ્રાઇઝ તરફે વકીલ મયૂર ડી. કટારમલ રોકાયા હતાં.