ભારતમાં કોરોના વધતાં જોખમને ધ્યાને લઇ આજે દેશભરના કોવિડ સેન્ટરો ઉપર મોકડ્રીલ યોજાઇ હતી. જેના ભાગરુપે જામનગર શહેરની જી.જી. હોસ્પિટલ ખાતે પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી સહિતના અગ્રણીઓ ઉપસ્થિત રહી કોરોના સામે લડવાની તૈયારીની સમીક્ષા કરી હતી. તેમજ તૈયારીઓ અંગે માહિતી મેળવી જરુરી સૂચનો પણ કર્યા હતાં.
કોરોનાના વધતાં જોખમને ધ્યાને લઇ આજે દેશભરમાં કોવિડ હેલ્થ સેન્ટરો ખાતે મોકડ્રીલ યોજાઇ હતી. જેના ભાગરુપે જામનગર સહિત ગુજરાતભરમાં મોકડ્રીલનું આયોજન કરવામાં આવ્યું હતું. આરોગ્ય મંત્રી કોરોના માટે હોસ્પિટલોમાં કરવામાં આવેલી તૈયારીની સમીક્ષા કરી રહ્યાં છે. જામનગરમાં આવેલી જી.જી. હોસ્પિટલમાં પણ કોરોનાની મહામારી સામે લડવાની તૈયારીની સમીક્ષા અર્થે મોકડ્રીલનું આયોજન કરાયું હતું. જેમાં હાલારના સાંસદ પૂનમબેન માડમ, મેયર બીનાબેન કોઠારી, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઇ ચનિયારા, સ્ટે. ચેરમેન મનિષભાઇ કટારીયા, એમ.પી. શાહ મેડિકલ કોલેજના ડીન ડો. નંદિની દેસાઇ, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઇ મુંગરા, કોવિડના નોડલ અધિકારી ડો. એસ.એસ. ચેર્ટજી સહિતના અધિકારીઓ દ્વારા જી.જી. હોસ્પિટલમાં ઓક્જિન સપ્લાય તેમજ વેન્ટિલેટર, કોરોના પ્રતિરોધક દવાઓ સહિતની તૈયારીઓ વિશે માહિતી મેળવી હતી. તેમજ કોરોના સામે લડવાની સ્થિતિ અંગે વિવિધ બાબતો અંગે જરુરી સૂચનો પણ આપ્યા હતાં.
આ તકે સાંસદ પૂનમબેન માડમે જી.જી. હોસ્પિટલમાં આવતાં દર્દીઓના પરિવારજનોની પણ મુલાકાત લીધી હતી અને સુવિધાઓ બાબતે માહિતી મેળવી હતી. સાંસદ પૂનમબેને જણાવ્યું હતું કે, જામનગરની જી.જી. હોસ્પિટલમાં માત્ર જામનગર જ નહીં પરંતુ સૌરાષ્ટ્રભરમાંથી દર્દીઓ આવતાં હોય છે. ત્યારે જી.જી. હોસ્પિટલમાં આવતાં દર્દીઓ માટે કોરોનાની તૈયારીની સમીક્ષા અર્થે આ મોકડ્રીલ યોજાઇ હતી અને ઓક્સિજન ટેન્કની કેપેસીટી તેમજ આઇસોલેશન વોર્ડમાં બેડ સહિતની સુવિધાઓનું નિરિક્ષણ કર્યું હતું. તેમજ કોવિડ ટેસ્ટીંગ લેબમાં આરટીપીસીઆર સહિતના ટેસ્ટ કેટલી ઝડપે થઇ શકે તે માટેની તૈયારીની પણ સમીક્ષા કરી હતી.
સાંસદ પૂનમબેન માડમે લોકોને માસ્ક પહેરવા તેમજ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા અને સાવચેતીના ભાગરુપે રસિકરણ કરાવવા પણ અપીલ કરવામાં આવી હતી અને વધુમાં જણાવ્યું હતું કે, લોકોને ગભરાઇ નહીં અને સાવચેતી જાળવે તથા બુસ્ટર ડોઝ વ્હેલી તકે મેળવી લે.