Wednesday, December 25, 2024
Homeરાજ્યસાંસદ પૂનમબેન માડમના હસ્તે લાલપુર તાલુકાના મોટી વેરાવળમાં 66 કે.વી.સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

સાંસદ પૂનમબેન માડમના હસ્તે લાલપુર તાલુકાના મોટી વેરાવળમાં 66 કે.વી.સબસ્ટેશનનું લોકાર્પણ કરાયું

- Advertisement -

જામનગરના લાલપુર તાલુકાના મોટી વેરાવળ ગામ ખાતે 66 કે.વી. સબ સ્ટેશનના લોકાર્પણ પ્રસંગે સાંસદ પૂનમબેન માડમે કહ્યું હતું કે, લોકોનો આધાર સ્તંભ ગણાતી સુવિધાઓ એટલે કે આંતર માળખાકીય સુવિધાઓનો વિકાસ કરવો એ સરકારનું મુખ્ય લક્ષ્ય છે. સુવિધા સમયસર મળે અને ગુણવત્તાયુક્ત મળે જેથી લોકો સુખાકારીમાં વધારો થાય તે માટે સરકાર સતત નવતર પગલાઓ લઇ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ વીજળી, પાણી જેવી પાયાની સુવિધાઓની વ્યવસ્થાઓ નિર્માણ કરવા વિશે સતત દરકાર લીધી છે. વળી ગુણવત્તાયુક્ત સુવિધાઓ માટે તેમાં સતત અપડેશન થકી કામ કરવામાં આવે છે. ત્યારે નવા 66 કે.વી. બનવાથી આસપાસના વિસ્તારોના ગ્રામજનોને પૂરતા દબાણથી વીજળી મળશે તેમજ નવા વીજ કનેક્શનો પણ હવે ખેડૂતોને માટે પ્રાપ્ય બની શકશે.

- Advertisement -


ખેડૂતો માટે વીજળી અને પાણીનો પૂરતો પુરવઠો ખૂબ આવશ્યક છે જેથી તેઓ કૃષિ વિકાસમાં યોગદાન આપી શકે અને આ અંગે સરકાર સતત અગ્રતા આપીને કાર્ય કરી રહી છે. ગુજરાત સરકાર ગ્રીન એનર્જીના ઉત્પાદનમાં પણ અગ્રીમ છે. આવનારા દિવસોમાં શહેરી કક્ષાની દરેક સુવિધાઓને ગ્રામ વિસ્તારોમાં પહોંચાડી આદર્શ ગ્રામના નિર્માણમાં આગળ વધવા સરકાર કટિબદ્ધ છે તેમ સાંસદએ ઉમેર્યું હતું.

પૂર્વ મંત્રી ચીમનભાઈ શાપરિયાએ જણાવ્યું હતું કે, દસ વર્ષ પહેલા વીજળીની વોલ્ટેજની તકલીફ હતી. વળી, ખેડૂતોને વીજ કનેક્શન માટે ખૂબ લાંબા વેઇટિંગનો સામનો કરવો પડતો હતો. હવે વિજયભાઈ રૂપાણી સરકારે ખેડૂતોને વીજ કનેક્શન પુરા પાડવા ઝુંબેશ હાથ ધરી અને આજે ખેડૂતોને ખેતી માટેના વીજ કનેક્શન ઝડપી પ્રાપ્ત થાય છે. વળી કિસાન સૂર્યોદય યોજના થકી ખેડૂતોને દિવસે વીજળી આપવાની કામગીરી પણ પૂરજોશમાં ચાલી રહી છે. ગુજરાત ગુણવત્તાયુક્ત વીજળી મેળવવામાં અગ્રીમ છે.

તો જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરાએ પાયાની સુવિધાઓ અને તેના થકી ગ્રામ વિકાસ વિશે માહિતી આપી હતી. આ તકે મોટી વેરાવળ અને રામપરના આશાવર્કર બહેનો જ્યોત્સનાબેન અને બિન્દુબેનને કોરોના વોરિયર્સ તરીકે સાંસદના હસ્તે સન્માનિત કરાયા હતા. સાથે જ હાલ આ બંને ગ્રામવિસ્તારોમાં 95% વેક્સિનેશન પૂર્ણ થયું છે, જેમાં યોગદાન બદલ તેમને સાંસદએ અભિનંદન પાઠવ્યા હતા.

અત્રે ઉલ્લેખનીય છે કે 697 લાખના ખર્ચે 66 કે.વી. મોટી વેરાવળ સબ સ્ટેશન અંતર્ગત મોટી વેરાવળ, રામપર વેરાવળ, બાવરીયા, હરીપર તથા આજુબાજુના વિસ્તારોના ખેતીવાડી, રહેણાંક અને ઔદ્યોગિક અંદાજે 1400 થી વધુ ગ્રાહકોને પૂરતા દબાણથી વધુ સાતત્યપૂર્ણ વીજ પુરવઠો આપી શકાશે. 66 કે.વી મોટી વેરાવળ સબ સ્ટેશનમાંથી 11 કે.વી.ના પાંચ ફિડરો ગણેશ(જેજીવાય) ફીડર, વેરાવળ (એજી)ફીડર, જાગરીયા (એજી) ફીડર, બાવરીયા(એજી) ફીડર અને સોહમ (એજી) ફીડર નાખીને આ વિસ્તારના વીજ ગ્રાહકોને ગુણવત્તાયુક્ત વીજપુરવઠાનો લાભ આપવામાં આવ્યો છે. હાલ જામનગર જિલ્લામાં 95 સબ સ્ટેશનો કાર્યરત છે, આગામી બે વર્ષમાં વધુ 11 સબસ્ટેશનો સ્થાપવાનું આયોજન જેટકો દ્વારા હાથ ધરવામાં આવ્યું છે.

આ પ્રસંગે જિલ્લા પંચાયત જામનગરના સિંચાઈ અને સહકાર સમિતિના ચેરમેન વિનુભાઈ વડોદરિયા, બાંધકામ સમિતિના ચેરમેન કે.બી.ગાગીયા, જિલ્લા ભાજપ મહામંત્રી દિલીપભાઈ ભોજાણી, મનોજભાઈ જાની, કૌશિકભાઇ રાબડીયા, લાલપુર તાલુકા પંચાયત પ્રમુખ ધાનાભાઈ કાંબરીયા, તાલુકા ભાજપ પ્રમુખ લાલપુર અરશીભાઈ કરંગીયા, જિલ્લા પંચાયત સદસ્ય સુરેન્દ્રસિંહ જાડેજા, તાલુકા પંચાયત સદસ્ય કૃષ્ણદેવસિંહ ચુડાસમા, કરસનભાઈ ચોચા, લાલપુર તાલુકા ભાજપ મહામંત્રી પ્રકાશભાઈ ચોવટીયા, લાલપુર કિસાન મોરચા મહામંત્રી મુકેશભાઈ કાછડીયા, મોટી વેરાવળના સરપંચ મગનભાઈ સોજીત્રા, રામપરના સરપંચ અરજણભાઇ ગોરડીયા, પી.જી.વી.સી.એલના અધિક્ષક ઇજનેર સી.કે.પટેલ, જેટકોના અધિક્ષક ઇજનેર એસ.જી.કાંજિયા તથા વિવિધ વિભાગના કર્મીઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

Most Popular