પ્રસારભારતી અને મહાનિર્દેશાલય આકાશવાણી દ્વારા ભારતમાં નેશનલ બ્રોડકાસ્ટ તરીકે રેડીયોના માધ્યમથી મનોરંજન માહિતી અને સમાચાર તથા સુચનાઓનો બહોળો અને મહત્તમ લાભ શ્રોતાઓ અને સામાન્ય જનતાને મળે તે હેતુથી અંદાજે 100 વોટના કુલ 91 એફ.એમ. ટ્રાન્સમીટર્સનો સમગ્ર દેશમાં આજરોજ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા વિડીયો કોન્ફરન્સના માધ્યમથી વર્ચ્યુઅલ લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જેમાં હાલારના સાંસદ પુનમબેન માડમના વરદ હસ્તે ખંભાળિયા સ્થિત એફ.એમ. રેડીયો સ્ટેશન આજથી વિધિવત રીતે ખુલ્લું મુકવામાં આવ્યું છે. આ પ્રસંગે આકાશવાણીના ડેપ્યુટી ડાયરેકટર પ્રવિણભાઈ ભાંખોડિયા, પ્રોગ્રામ એજયુકેટીવ સુધીર દતા, ટેકનીકલ ઓફિસર જય ભટ્ટ, કિરીટભાઈ જાદવ, પ્રાંત અધિકારી પાર્થ કોટડીયા, ડી.વાય.એસ.પી. હાર્દીક પ્રજાપતિ સાથે જિલ્લા તથા શહેર ભાજપના આગેવાનો ઉપરાંત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં ડિસ્ટ્રીક્ટ બેંકના ચેરમેન અને માર્કેટિંગ યાર્ડના પી.એસ. જાડેજા, શહેર ભાજપ પ્રમુખ અનિલભાઈ તન્ના, નગર પાલિકાના ઉપપ્રમુખ જગુભાઈ રાયચુરા, હરિભાઈ નકુમ, ઈ ન્દ્રજીતસિંહ પરમાર સહિતના આગેવાનો પણ જોડાયા હતા.