ટાઉનહોલ ખાતે આઝાદીકા અમૃત મહોત્સવ-આત્મનિર્ભર ગ્રામ યાત્રા અંતર્ગત સાંસદ સી.આર.પાટીલ દ્વારા જામનગર જિલ્લાના વિવિધ વિકાસકામોના ખાતમુહુર્ત તથા લોકાર્પણ કરવામાં આવ્યા હતા. જેમાં 71 ગ્રામ પંચાયત ભવન તથા તલાટી કમ મંત્રી આવાસોનું ખાતમુહૂર્ત, દરેડ, જામ વંથલી, ભલસાણ, ભણગોર, લયારા, પીપરટોડા, ધ્રાફા,તથા મોટાખડબા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે નવીન અધ્યતન એમ્બ્યુલન્સનું લોકાર્પણ તથા કાલાવડ તાલુકા પંચાયતના નવા મકાનનું સાંસદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતું.
આ તકે સાંસદએ જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ યુવાઓના હાથમાં પંચાયતની ધૂરા સોંપી તેમને વિકાસયાત્રામાં સહભાગી બનાવ્યા છે. સરકારે તમામ વર્ગો માટે વિવિધ યોજનાઓ અમલમાં મુકી સરળ અને પારદર્શી વ્યવસ્થા ઊભી કરી છે. આ તકે લોકો સુધી વિવિધ યોજનાઓના લાભો પહોંચાડવા ઉપસ્થિત સરપંચઓ તથા પદાધિકારીઓને સાંસદએ આહ્વાન કર્યું હતું. તેમજ આત્મનિર્ભર યોજના, સુકન્યા સમૃદ્ધિ યોજના, વીમા યોજના સહિતની યોજનાઓથી ઉપસ્થિત સૌ કોઈને માહિતગાર કર્યા હતા.
મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરતાં રાજ્યમંત્રી બ્રિજેશભાઈ મેરજાએ જણાવ્યું હતું કે ૧૫ માં નાણાપંચની ૭૦ ટકા રકમ ગ્રામ પંચાયતોને ફાળવવાનો વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનો નિર્ણય આવકાર્ય છે.તેમજ વધુમાં વધુ ગ્રામ પંચાયતો સમરસ થાય તેવી લાગણી વ્યક્ત કરી હતી.
આ તકે કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ, સાંસદ પૂનમબેન માડમ, સાંસદ વિનોદભાઈ ચાવડા, ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયત પ્રમુખ ધરમશીભાઈ ચનીયારા, જિલ્લા ભાજપ પ્રમુખ રમેશભાઈ મુંગરા, જિલ્લા કલેક્ટર ડો.સૌરભભાઈ પારઘી, મ્યુનિસિપલ કમિશનર વિજય ખરાડી, જિલ્લા વિકાસ અધિકારી મીહીર પટેલ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક રાયજાદા, નાયબ કમિશનર વસ્તાણી, પ્રાંત અધિકારી આસ્થા ડાંગર, નાયબ જિલ્લા વિકાસ અધિકારી પાર્થ કોટડીયા તથા કિર્તનબેન રાઠોડ, તેમજ પદાધિકારીઓ, અધિકારીઓ તથા બહોળી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.