મોરબીના ઝુલતા પુલની દુર્ઘટનામાં જીવ ગુમાવનાર 135 થી વધુ લોકોના માનમાં આજે જામનગર સહિત સમગ્ર રાજયમાં શોક મનાવવામાં આવી રહ્યો છે. તમામ જાહેર સરકારી કાર્યક્રમો સ્થગિત અથવા તો રદ કરી દેવામાં આવ્યા છે. જયારે સરકારી ઇમારતો પર રાષ્ટ્રધ્વજ અડધીકાઠીએ ફરકાવવામાં આવ્યો છે.
જામનગરની કલેકટર કચેરી, જિલ્લા પંચાયત, મહાપાલિકા, અદાલતો, પોલીસ કચેરી તેમજ અન્ય સરકારી, અર્ધ સરકારી કચેરીઓ પર ફરકતાં રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ઉતારીને મોરબી દિવંગતોના માનમાં શોક વ્યકત કરવામાં આવી રહ્યો છે. એટલું જ નહીં અનેક જગ્યાએ આજે શોકસભા, શ્રધ્ધાંજલિ સભા અને પ્રાર્થના સભાનું આયોજન પણ કરવામાં આવ્યું છે. જામનગર મહાપાલિકાના પદાધિકારીઓ તથા અધિકારીઓ તેમજ કર્મચારીઓ દ્વારા શહેરના ટાઉનહોલમાં મોરબીના મૃતકોને શ્રધ્ધાંજલિ આપવા માટે પ્રાર્થના સભા યોજવામાં આવી હતી.
રવિવારની સાંજે મોરબીનો ઝૂલતો પુલ ધરાશાયી થતા સેક્ધડોની અંદર 135થી વધુ લોકોએ પોતાનો જીવ ગુમાવ્યો હતો. આ ગોઝારી ઘટનાને લઈને આજે ગુજરાતમાં રાજ્યવ્યાપી શોક મનાવવામાં આવી રહ્યો છે. ત્યારે કોર્પોરેશન, કલેક્ટર, જિલ્લા પંચાયત સહિત દરેક સરકારી કચેરીઓમાં આજે અડધી કાઠીએ રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવ્યો છે. તેમજ મોરબી બાદ રાજકોટ બાર એસોસિએશન દ્વારા પણ આરોપીઓ તરફી કેસ નહીં લડવાનો નિર્ણય કર્યો છે.
મોરબીની દુર્ઘટનાને પગલે આજે રાજ્યભરમાં શોકની જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજ્યવ્યાપી શોકમાં ખેડા જિલ્લો સહભાગી બની તમામ મૃતકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી છે. ખાસ કરીને જિલ્લાની કચેરી પર લહેરાતા રાષ્ટ્રધ્વજને અડધી કાઠીએ ફરકાવવામાં આવ્યો છે. આ ઉપરાંત ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય પક્ષો, સામાજિક સંસ્થાઓ સહિતના લોકોએ મૌન પાળી શ્રધ્ધાંજલિ અર્પણ કરી છે. કેન્ડલ માર્ચ તથા આજે મૌન સભાનું પણ ઠેર-ઠેર આયોજન કરવામાં આવ્યું છે.