View this post on Instagram
જામનગર શહેરમાં મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં રહેતા મહિલા તેના પુત્રને સવારના સમયે સ્કૂલે મૂકવા જતા હતા ત્યારે રસ્તા પરના ખાડાને કારણે સ્કૂટર નમી જતાં બાજુમાં જ રહેલી ભૂગર્ભ ગટરની કૂંડીના મોટા ખાડામાં માતા-પુત્ર ખાબકતા બન્નેને સારવાર માટે જી. જી. હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
અકસ્માતના બનાવની વિગત મજબ જામનગરના કાલાવડ નાકા બહાર મહાપ્રભુજીની બેઠક પાસેના વિસ્તારમાં રહેતા રેશમાબેન સંજયભાઈ (ઉ.વ.39) નામના મહિલા આજે સવારે તેના પુત્રને સ્કૂલે મૂકવા માટે જીજે10-ઇડી-5936 નંબરના સ્કૂટર પર જઈ રહ્યાં હતાં. જે દરમિયાન કાચા રસ્તા પાસે એકાએક તેનું વાહન ખાડાના કારણે નમી ગયું હતું અને પાસે જ બનાવાયેલા ભૂગર્ભ ગટરની કુંડીના મોટા ખાડામાં માતા-પુત્ર બંને પડ્યા હતા. આ બનાવ બાદ ત્યાંથી પસાર થનારા અન્ય વ્યક્તિનું તેના પર ધ્યાન પડી જતાં તુરંત જ 108 એમ્બ્યુલન્સને બોલાવી લીધી હતી અને આશરે 15 ફૂટ ઊંડા ગટરના ખાડામાંથી સ્થાનિકો તેમજ 108 એમ્બ્યુલન્સની ટુકડી વગેરેએ મહિલા અને બાળકને સહી સલામત રીતે બહાર કાઢી લીધા હતા. જો કે બાળકને કોઈ ઈજા થઈ ન હતી અને તેનો બચાવ થયો હતો. જયારે માતા રેશ્માબેન ઇજાગ્રસ્ત બની હોવાથી તેણીને સારવાર માટે જામનગરની સરકારી જી. જી. હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. જ્યાં તેણીની હાલત સુધારા પર છે. આ બનાવની જાણ થવાથી સિટી ‘એ’ ડિવિઝનનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલમાં દોડતો થયો છે.


