જામનગરના બેડેશ્વર વિસ્તારમાં વાલસુરા રોડ પર રહેતી યુવતી તેના ભાઇ સાથે પાડોશીના ઘરે ગયા હતા ત્યારે ઘરે જઇ, “અમારા ઘરની દીવાલમાં પ્લાસ્ટર કરવાનું હોય તો દીવાલની બાજુમાં રાખેલો સામાન હટાવી લેજો.” તેમ જણાવતાં મહિલા અને તેની પુત્રીએ ભાઇ-બહેન સાથે બોલાચાલી કરી ઢીકાપાટુનો માર માર્યો હતો. જામનગરના રામેશ્વરનગર વિસ્તારમાં રહેતાં વૃદ્ધાના ઘરની બારીનો કાચ તોડી નાખી ત્રણ શખ્સોએ ઝઘડો કરી ધમકી આપી હતી.
બનાવની વિગત મુજબ પ્રથમ બનાવ જામનગર શહેરના બેડેશ્વરમાં વાલસુરા રોડ પર આવેલા દરબારપાડામાં રહેતા સોનલબેન શંકરગીરી ગોસાઇ (ઉ.વ.25) નામની યુવતી અને તેનો ભાઇ ગત્ તા. 11ના રોજ બપોરના સમયે તેના પાડોશી મીનાબેન રમજુભાઇ જાડેજાના ઘરે ગયા હતા અને ભાઇ-બહેનએ કહ્યું કે, “અમારા ઘરની દીવાલમાં પ્લાસ્ટરનું કામ કરાવવાનું હોય જેથી દીવાલની બાજુમાં રાખેલો સામાન હટાવી લેજો અને તમારી પાણીની પાઇપલાઇન જે અમારી દીવાલમાં છે તે કઢાવી નાંખજો.” તેમ કહેતા મીનાબેન તથા તેની પુત્રી આશાબેન બન્નેએ યુવતી અને તેના ભાઇ સાથે બોલાચાલી કરી, ગાળાગાળી કરી, ઢીકાપાટુનો માર માર્યો હતો. આ બનાવ અંગેની જાણના આધારે પીએસઆઇ એમ. વી. મોઢવાડિયા તથા સ્ટાફએ સોનલબેનની ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.
બીજો બનાવ જામનગર શહેરના રામેશ્વરનગર, માટેલ ચોકમાં રહેતા શોભનાબેન હસમુખભાઇ પીઠડિયા નામના વૃદ્ધાના ઘરની બારીના કાચ ત્રણ શખ્સોએ પથ્થર ફેંકી તોડી નાખી નાશી ગયા હતા. ત્યારબાદ શુક્રવારે બપોરના સમયે સપ્તાહ પહેલાં બારીનો કાચ તોડી નાખવા બાબતે વૃદ્ધાએ દિવ્યરાજસિંહ ભૂપતસિંહ ઝાલા અને બે અજાણ્યા સહિત ત્રણ શખ્સોએ વૃદ્ધા સાથે બોલાચાલી અને ઝઘડો કરી જતાં જતાં મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગેની જાણ કરતા પીએસઆઇ જે. પી. સોઢા તથા સ્ટાફએ વૃદ્ધાના નિવેદનના આધારે ત્રણ શખ્સો વિરૂઘ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.


