બજેટ પર સંસદમાં ચાલતી ચર્ચામાં બેરોજગારી પરની ચર્ચામાં કેન્દ્ર સરકારે રાજ્યસભામાં જણાવ્યું હતું કે 2018થી 2020ની વચ્ચે બેરોજગારી અને દેવાના લીધે 25,000થી પણ વધારે ભારતીયોએ આત્મહત્યા કરી હતી. તેમા 9,140 એ બેરોજગારીના લીધે અને 16,091એ દેવાના લીધે આત્મહત્યા કરી હતી, એમ કેન્દ્રીય ગૃહરાજ્યપ્રધાન નિત્યાનંદ રાયે જણાવ્યું હતું.તેમણે જણાવ્યું હતું કે સરકારી આંકડાનો આધાર નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યૂરો (એનસીઆરબી) દ્વારા પૂરા પાડવામાં આવેલા આંકડા છે. આ આંકડા મુજબ બેરોજગારોમાં આત્મહત્યાનું પ્રમાણ કોરોના રોગચાળાના વર્ષ 2020માં વધીને 3,548 પર પહોંચી ગયું હતું.
જ્યારે 2018માં 2,741 લોકોએ બેરોજગારીના લીધે જીવનનો અંત આણ્યો હતો. જ્યારે 2019માં 2,851એ આત્મહત્યા કરી હતી. જો કે દેવાના લીધે આત્મહત્યામાં આ પ્રકારનો ટ્રેન્ડ જોવા મળતો નથી. 2018માં 4,970એ દેવાના લીધે આત્મહત્યા કરી હતી. 2019માં આ આંકડો વધીને 5,908 થયો હતો. જયારે 2020માં આ આંકડો ઘટીને 5,213 થયો હતો. સમગ્ર બજેટ સત્ર દરમિયાન વારંવાર રોજગારીનો મુદ્દો ઉઠતો રહ્યો હતો. વિપક્ષના સાંસદોએ વારંવાર આ મુદ્દો ઉઠાવ્યો હતો. તેમનો આરોપ હતો કે બજેટમાં કોવિડ-19ના લીધે દેશ જે સિૃથતિનો સામનો કરી રહ્યો છે તેના માટે કોઈ વિશેષ રાહત પૂરી પાડવામાં આવી નથી. કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ તાજેતરમાં સરકાર પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે દેશમાં બેરોજગારી છેલ્લા 50 વર્ષના ટોચના સ્તરે પહોંચી ગઈ છે. તેમણે જણાવ્યું હતું કે યુનાઇટેડ પ્રોગ્રેસિવ એલાયન્સ (યુપીએ) સરકારે દસ વર્ષના શાસનમાં 27 કરોડ લોકોને ગરીબી રેખામાંથી બહાર કાઢ્યા હતા. જ્યારે વડાપ્રધાન મોદીના નેજા હેઠળની એનડીએ સરકારે 23 કરોડ લોકોને ગરીબીમાં પાછા ધકેલી દીધા છે.