કોરોના વાયરસે આપણી વચ્ચેથી વિદાય લઇ લીધી હોય તેમ લોકો દિવાળીની રજાઓમાં ખરીદી-ફરવા માટે ઉપડી પડતાં હવે ફરી ચિંતાજનક સ્થિતિ સર્જાય તેવા વાદળો ઘેરાઇ રહ્યા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 40 નવા કેસ સામે આવ્યા છે. સળંગ બીજા દિવસે કોરોનાના 40થી વધુ નવા કેસ નોંધાયા છે. રાહતની વાત એ છે કે, સળંગ 10માં દિવસે કોરોનાથી એકપણ મૃત્યુ નોંધાયું નથી.
છેલ્લા 24 કલાક દરમિયાન અમદાવાદમાંથી સૌથી વધુ 14, સુરતમાંથી 7, વડોદરામાંથી 6, રાજકોટમાંથી 3, જુનાગઢ-વલસાડમાંથી 2, અમરેલી-ગીર સોમનાથ-ખેડા-મોરબી-નવસારી-સુરેન્દ્રનગરમાંથી 1-1 નવા કેસ નોંધાયા હતા. આમ, 40ંમાંથી 30 નવા કેસ માત્ર અમદાવાદ-સુરત-રાજકોટ-વડોદરામાંથી સામે આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસ હવે 8,26,866 જ્યારે કોરોનાથી કુલ મરણાંક 10,090 છે. છેલ્લા 24 કલાકમાં વધુ 21 દર્દી કોરોનાથી સાજા થયા છે. અત્યારસુધી કુલ 8,16,542 દર્દી કોરોનાને હરાવી ચૂક્યા છે અને સાજા થવાનો દર 98.75% છે.
રાજ્યમાં બે ઓગસ્ટ એટલે કે 101 દિવસ બાદ પ્રથમવાર એક્ટિવ કેસનો આંક 230થી વધ્યો છે. હાલમાં 234 એક્ટિવ કેસ છે અને 7 દર્દી સારવાર હેઠળ છે.
અમદાવાદમાં સૌથી વધુ 62 દર્દી કોરોનાની સારવાર હેઠળ છે. મંગળવારે દિવસ દરમિયાન વધુ 4,57, 767ને કોરોના વેક્સિન આપવામાં આવી હતી. આ સાથે જ કુલ વેક્સિનેશનનો આંક હવે 7.33 કરોડ થયો છે. કુલ સૌથી વધુ વેક્સિનેશન ડોઝમાં ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, મધ્ય પ્રદેશ બાદ ગુજરાત પાંચમાં સ્થાને છે. ગુજરાતમાંથી 4.49 દ્વારા પ્રથમ ડોઝ અને 2.83 કરોડ દ્વારા બંને ડોઝ લેવામાં આવ્યા છે.